For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તળાજા ડુંગર ઉપર મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી

Updated: May 26th, 2023

Article Content Image

બુકાનીધારી નાસ્તિક તસ્કર જાળીના સળિયા તોડી મંદિરમાં પ્રવેશ્યો

શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ, ચાર દિવસમાં બીજી વખત ચોરીની ઘટનાને લઈ શ્રધ્ધાળુઓમાં રોષ

તળાજા: તળાજાના તાલધ્વજ ડુંગર પર આવેલ પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરને બુકાનીધારી નાસ્તિક તસ્કરે નિશાન બનાવી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. તળાજામાં છેલ્લા ચાર દિવસની અંદર જ બે મંદિરમાં ચોરીના બનાવ સામે આવતા શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાયો છે.

પુરાતન વિભાગ દ્વારા જેની દરકાર લેવામાં આવે છે અને રાજ્ય સરકારે પર્યટન સ્થળમાં સમાવેશ કરેલ છે તેવા શ્રધ્યેય તળાજાના તાલધ્વજ ડુંગર ઉપર આવેલ ખોડિયાર માતાના મંદિરમાં રાત્રિના ૧૨-૩૦ કલાકના અરસામાં મોઢા ઉપર કપડું બાધી આવેલા એક નાસ્તિક તસ્કરે જાળીના સળિયા તોડી અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરા ઉપર કપડું ઢાંકી દીધું હતું. ત્યારબાદ શખ્સે માતાજીની મૂર્તિ ઉપરનો ચાંદીનો મુંગટ, ચાંદીના કુંડળ, ૩૫થી ૪૦ જેટલા ચાંદીના છત્તર, સોનાની નથ, સોનાની સર અને દાનપેટીમાંથી રોકડ એક હજાર મળી કુલ રૂા.૮૬,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ અંગે આજે વહેલી સવારે મંદિરમાં સેવાપૂજા કરતા કૃણાલભાઈ અગ્રાવતને થતાં તેમણે ખોડિયાર મંદિર સેવક મંડળના સદસ્યોને સમગ્ર વાતની જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક શખ્સ રાત્રિના ૧૨-૩૦ કલાકે ચોરી કરવા મંદિરમાં પ્રવેશ્યો હતો અને સવા બે વાગ્યા આસપાસ મંદિરની બહાર નીકળતા જોવા મળ્યો હતો. મંદિરમાં પોણા બે કલાક રોકાઈ નાસ્તિક તસ્કરે નિરાતે ચોરીને અંજામ આપ્યા બાદ સાવરણાથી સફાઈ કરી ફ્રીઝમાંથી પાણીની ઠંડી બોટલ ભરી દાદરા ઉતર્યો હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું.

બનાવ અંગે કૃણાલભાઈ નટુભાઈ અગ્રાવણ (ઉ.વ.૩૦, રહે, રામટેકરી રોડ, કન્યાશાળા પાસે, તળાજા)એ અજાણ્યા તસ્કર સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં તાલધ્વજ ડુંગર ઉપરાંત તળાજા નજીક પાલિતાણા રોડ પર દેવળિયાની ધાર પહેલા આવેલ ખોડિયાર મંદિરે આજે ફરી ચોરી કરવામાં આવી હતી.  ચાર દિવસમાં અહીં બીજો બનાવ બન્યો છે. જેને લઈ ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

તસ્કરે ચારેય કેમેરાને કપડાંથી ઢાંકી દીધા

તાલધ્વજ ડુંગર ઉપર ચોરી કરવા એક જ તસ્કર આવ્યો હોવાનું જોવા અહીંના સીસીટીવી કેમેરામાં કેદ છે. બ્લુ ટી-શર્ટ-પેન્ટ પહેરેલા શખ્સે પોતાની ઓળખ ન થાય તે માટે બુકાની બાંધી હતી. કેમેરા તોડવાનો પ્રયાસ કરવામાં સફળ ન થતા ચારેય કેમેરા ઉપર કપડાં ઢાંકી ચોરી ને અંજામ આપ્યો હતો. ત્યારે ચોરી કરતા પહેલા કેમેરા સહિતની બાબતે રેકી કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Gujarat