માળિયા હાટીના: ઘરેથી પલાયન થયેલા તરુણની ભાળ સોશ્યલ મીડિયાની મદદથી મળી
માળિયા હાટીના, તા. 23 જુલાઈ 2020, ગુરુવાર
માળિયા હાટીના તાલુકાના દુધાળા ગામમાં રહેતો ૧૭ વર્ષીય કિશન તેના ઘરે કોઈને કહ્યા વિના પલાયન થઈ જતાં તેનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે પોલીસે સોશ્યલ મીડિયાની મદદ મેળવી તેની ભાળ મેળવી હતી અને તે અમદાવાદથી મળી આવ્યો હતો.
ગઈ કાલે સાંજે તરુણ લાપતા થતાં તેના પિતા મૂકેશભાઈ વાડલિયા સહિતના પરિવારજનોએ શોધખોળ કરી, ગામ અને બહારગામ રહેતા સગાંસંબંધીને ફોન કરીને પણ પૂછ્યું પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. છેવટે મૂકેશભાઈએ પોલીસ સ્ટેશને જઈને સમગ્ર બનાવની વાત કરી હતી.
નાઈટ ડ્યુટી પર રહેલા કોન્સ્ટેબલે તમામ વિગતો મેળવી કિશનની તસવીર અને તેનો મોબાઇલ નંબર મેળવી તપાસ શરૂ કરી. ગુમશુદા તરુણનો ફોટો તેમણે વ્હોટ્સ એપ ગ્રૂપમાં મૂક્યો. એવામાં કિશનના માસી કે જેઓ જુનાગઢ રહે છે તેમણે એની સાથે મેસેજથી પૂછપરછ કરતાં કિશને રિપ્લાય આપ્યો, ‘હું જૂનાગઢથી એસટી બસમાં અમદાવાદ જઉં છું.’
કિશને તેમને વ્હોટ્સ એપથી બસની ટિકીટનો ફોટો પણ મોકલ્યો, આ ટિકીટના ફોટા વડે કોન્સ્ટેબલે એસટી બસના કન્ટ્રોલરૂમની મદદથી બસના ડ્રાઇવર-ક્લીનરનો સંપર્ક કર્યો અને અમદાવાદ પહોંચતાં કિશનને સેટેલાઇટ પોલીસ સ્ટેશને સોંપવા વાત કરી. એ મુજબ કિશન ત્યાં પહોંચ્યો હોવાની ખાતરી મળતાં તેના પરિવારજનો રાત્રે જ એને લેવા માટે રવાના થયા હતા.