For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડોક્યુમેન્ટમાં પિતાના નામ માત્રની ભુલને લઈ પુત્રએ 4 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા

Updated: Nov 16th, 2021


- પાકિસ્તાન જેલમાંથી મુક્તિ થતા પુત્ર પરત ફરી રહ્યાની વાત માત્રથી પરિવાર ભાવવિભોર બન્યો

- 4 વર્ષ દરમિયાન અનેક રાજકીય-સામાજીક આગેવાનોને રજુઆત કર્યા છતા હકારાત્મક જવાબ ન મળતા પરિવારે હીંમત હારી હતી


(ટ્રકંકોલ) : ઉના પંથકના માછીમાર યુવાનને ચાર વર્ષ પુર્વે પાકિસ્તાન મરીને બોટ સાથે બંદી બનાવ્યા બાદ યુવાનના પિતાના નામમાં ભુલ હોવાના કારણે અન્ય છ માછીમારને એક વર્ષ પછી મુક્ત કરાયા હતા પરંતુ યુવાનને મુક્ત કરવામાં આવ્યો ન હતો. માત્ર પિતાના નામમાં રહેલ ભુલના કારણે યુવાન પાકિસ્તાન જેલમાં ચાર ચાર વર્ષ સબડતો રહ્યો હતો. હાલ ઉચ્ચસ્તરે રજુઆત બાદ પાકિસ્તાન જેલમાંથી  માછીમાર યુવાનની મુક્તિ થતા પરિવાર ભાવવિભોર બન્યો છે.

ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન-૧ નામની બોટમાં ખલાસી તરીકે માર્ચ ૨૦૧૭માં દરીયામાં રવાના થયા હતા. તે વેળાએ પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા બોટ સહિત ૭ વ્યક્તિને બંદી બનાવી જેલમાં કેદ કર્યા હતા. ૧ વર્ષ જેલમાં રહી સજા પૂર્ણ થતાં નવાબંદર માછીમાર યુવાન સિવાય તમામ ૬ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી વર્ષ ૨૦૧૮ માદરે વતન પહોંચ્યાં હતાં પરંતુ બાબુભાઈ બાંભણિયાને મુક્ત કર્યા ન હોતા તેણે પરિવારને પત્ર લખ્યો ત્યારે ખબર પડી કે પાકિસ્તાન જેલમાં તેમનાં પિતાનું નામ ભૂલથી કરશનભાઈની જગ્યાએ કિશનભાઈ લખાઇ ગયું હતું. જેથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. તેમનાં પરિવારે તેમને જેલમાંથી છોડાવવા માટે ચાર વર્ષ દરમિયાન અંદાજે ૫૦ જેટલા રાજકીય અને સામાજિક આગેવાનોને તેમની ફાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. પરંતુ એકપણ આગેવાન પાસેથી હકારાત્મક જવાબ મળ્યો નહોતો અંતે તો આ પરિવાર પણ હિંમત હારી ગયો હતો આ માછીમાર જેલમાંથી તેનાં પરિવારને ટપાલ લખતો તેમાં તેને મુક્ત કરાવવા માટે પોતાની વેદના વ્યક્ત કરતો હતો. પરંતુ અજ્ઞાાન અને અશિક્ષિત પરિવારને કોઈ રસ્તો દેખાતો નહોતો. ત્યારે સ્થાનિક આગેવાનોના સહકાર તળે ઉચ્ચ કક્ષાએ ડોક્યુમેન્ટની ફાઈલ મોકલાતા હકારાત્મક જવાબ મળ્યો હતો. અને માછીમાર યુવાનના પિતાનુ નામ સુધારી કાર્યવાહી કરાઈ હતી. ત્યારે પાકિસ્તાની જેલોમાં કેદ ૨૦ જેટલા માછીમારો મુકત થઇ રહ્યા છે. તેમાં નવાબંદરનાં માછીમાર બાબુભાઈ બાંભણીયા પણ મુક્ત થઈ માદરે વતન પરત આવી રહ્યા છે. છેલ્લા ૪ વર્ષ થી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે તેમનાં પરિવારમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક ડોક્યમેન્ટમાં પિતાના નામ માત્રની ભુલના કારણે યુવાને જીંદગીના અમુલ્ય ચાર વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા હતા.

જુલાઈ-20 માં ઉચ્ચસ્તરે રજુઆત યુવાનના પિતાનુ નામ સુધારાયુ 

પાકિસ્તાનની જેલમાં ચાર ચાર વર્ષથી સબડતા યુવાનને પરત લાવવા ઝઝુમતા પરિવારે એક તબક્કે આશા પર ધુળ ફરી વળી હતી. પરંતુ એક વર્ષ પહેલાં ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના અજય શિયાળ સંપર્ક કર્યા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ, ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રીનાં કાર્યાલય તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર સહિતના વિભાગોને પત્ર લખી માછીમાર યુવાનનાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડીને ગત જુલાઇ-૨૦૨૦માં રજૂઆત કર્યા પછી હકારાત્મક જવાબ ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર તરફથી મળ્યો હતો. અને માછીમાર યુવાનનાં પિતાનું નામ ગૃહ મંત્રાલય દ્વારા સુધારી લઈ અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ થઈ હતી. 

Gujarat