ભાવનગર જિલ્લામાં શિયાળાની ઋતુનું ધીમા પગલે આગમન, ઠંડીનો ચમકારો
ભાવનગર, તા. 09 નવેમ્બર 2019, શનિવાર
વાવાઝોડાની અસરને કારણે ઓણ સાલ શિયાળાની ઋતુ મોડી પડી છે. મહા વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ છેલ્લા બે દિવસથી રાત્રિથી વહેલી સવાર સુધી થઈ રહેલા ઠંડીના અનુભવથી જિલ્લામાં શિયાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઈ ગયું હોવાનું લાગી રહ્યું છે. આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેવું જણાઈ રહ્યું છે.
ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી સમી સાંજ બાદ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેમાં પણ ગઈકાલે શિયાળાનો વિધિવત આરંભ થઈ ગયો હોય તેવું વાતાવરણમાં ટાઢોળું પ્રસરતા છેલ્લા 24 કલાકમાં જ રાત્રિનું તાપમાન સડસડાટ 2.3 ડિગ્રી ઘટીને 22.3 ડિગ્રી થઈ ગયું હતું. ગત 23મી ઓક્ટોબર બાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો પ્રથમ વખત 23 ડિગ્રીની નીચે પહોંચ્યો હતો.
રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો આજે દિવસના તાપમાનમાં સામાન્ય ઉછાળો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી વચ્ચે રહેશે. જ્યારે લઘુતમ તાપમાન 23 થી 24 ડિગ્રી વચ્ચે રહવાની શક્યતા છે.