સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે, મનપામાં નહી


- ભાવનગર મનપામાં 5 વર્ષ કરતા વધુ સમયથી એક જગ્યાએ કામ કરતા કેટલાક કર્મીઓ

- વહીવટી સરળતા માટે અધિકારી-કર્મચારીઓની સામુહિક બદલી કરવી જરૂરી : રાજ્ય સરકારમાં 3 થી 5 વર્ષે કર્મચારી-અધિકારીની બદલી થાય છે તો મનપામાં કેમ નહી ?

ભાવનગર : સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે પરંતુ ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી. સરકારી અધિકારી-કર્મચારીની ૩ થી પ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે. મહાપાલિકામાં કેટલાક કર્મચારીઓ ઘણા વર્ષથી એક જ વિભાગમાં નોકરી રહ્યા છે પરંતુ તેઓની કોઈને કોઈ કારણસર બદલી કરવામાં આવતી નથી. વહીવટી સરળતા માટે અધિકારી-કર્મચારીઓની સામુહિક બદલી કરવી જરૂરી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

ભાવનગર મહાપાલિકામાં ઘણા વર્ષોથી અધિકારી-કર્મચારીઓની સામુહિક બદલી કરવામાં આવી નથી તેથી કેટલાક અધિકારી-કર્મચારીઓ પ વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે. કેટલાક કર્મચારીઓને તો ૮-૧૦ વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં અને એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાનુ સુત્રોએ જણાવેલ છે. સરકારમાં ૩ થી પ વર્ષે કર્મચારી-અધિકારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં સરકારના બદલીના નિયમનુ પાલન થતુ ના હોવાનુ ચર્ચાય રહ્યુ છે. મનપામાં થોડા થોડા કર્મચારીઓની બદલીઓ થતી રહેતી હોય છે પરંતુ સામુહિક બદલી ઘણા વર્ષોથી થઈ ના હોવાના કારણે કેટલાક કર્મચારીઓની બદલી થતી જ નથી. કેટલાક કર્મચારીઓ એક જગ્યા નોકરી કરીને કંટાળ્યા હોવાથી અન્ય વિભાગમાં જવાનુ ઈચ્છી રહ્યા છે, જયારે કેટલાક કર્મચારીઓ કોઈ કારણસર બદલી ના થાય તો સારૂ તેવુ ઈચ્છી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. વહીવટી સરળતા માટે અને કામગીરી ઝડપી થાય તે માટે મહાપાલિકાના કમિશનરે સામુહિક બદલી કરવી જરૂરી છે. મહાપાલિકામાં ઘણા વર્ષોથી ભાજપનુ શાસન છે છતા સામુહિક બદલી થાય તેવુ સુચન તેઓએ કર્યુ હોવાનુ જાણવા મળેલ નથી. 

મહાપાલિકામાં ઘરવેરા, વોટર વર્કસ, મહેકમ, સોલીડ વેસ્ટ, આરોગ્ય વિભાગ, એેસ્ટેટ સહિતના ઘણા વિભાગ આવેલ છે ત્યારે દરેક કર્મચારીને જુદા જુદા વિભાગની કામગીરીનો અનુભવ થાય તે માટે બદલી કરવી જરૂરી છે. કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક જ વિભાગમાં હોવાથી અન્ય વિભાગની કામગીરી તેઓ માટે મૂશ્કેલ હોય છે. ઘણા કર્મચારીઓ સામુહિક બદલી થાય તેવુ ઈચ્છી રહ્યા છે ત્યારે મનપાના કમિશનર અને શાસકપક્ષે યોગ્ય પગલા લેવા જરૂરી છે. મનપામાં બદલીના કોઈ નિયમ જ ના હોય તેમ લાલીયાવાડી ચાલી રહી છે.  

મહાપાલિકાના નવા કમિશનરે તપાસ કરી પગલા લેવા જરૂરી 

ભાવનગર કોર્પોરેશનમાં સામુહિક બદલી કેટલા સમયથી થઈ નથી અને કેટલા કર્મચારી કયાં વિભાગમાં કેટલા સમયથી ફરજ બજાવી રહ્યા છે ? તે અંગે મહાપાલિકાના નવા કમિશનરે તપાસ કરી પગલા લેવા જરૂરી છે. પ વર્ષ કરતા વધુ સમયથી કર્મચારીઓ એક જગ્યાએ છે તો શુ કામ બદલી કરવામાં આવતી નથી ? તે મોટો પ્રશ્ન છે. કર્મચારીઓનુ લીસ્ટ મંગાવી કમિશનરે તત્કાય પગલા લેવા જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે. 

મનપામાં અરજદારોને કામગીરી માટે થતા ધક્કા 

ભાવનગર મહાપાલિકામાં એક ધક્કે ભાગ્યે જ કોઈ અરજદારનુ કામ થતુ હોય છે તેથી અરજદારોમાં રોષ જોવા મળતો હોય છે ત્યારે અરજદારોના કામ ઝડપી થાય તેવુ આયોજન કમિશનરે કરવુ જરૂરી છે. અરજદારનુ કામ આસાનીથી શુ કામ નથી થતુ અને શુ કામ અરજદારોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ? તે અંગે પણ કમિશનરે તપાસ કરી કડક પગલા લેવા જોઈએ તેવી લોકમુખે ચર્ચા છે.  

City News

Sports

RECENT NEWS