મહુવાના ઉમણિયાવદરને એક ડઝન ગામ સાથે સાંકળતો માર્ગ તદ્દન બિસ્માર
- ઈમરજન્સી વાહનોના ચાલકોને હેરાનગતિ
- ચોમાસામાં મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા પ્રાણઘાતક અકસ્માતને મળી રહેલુ નિમંત્રણ
મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામથી આજુબાજુના બાર જેટલા ગામોને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ તાલુકાના કુંભણ, સેંદરડા, બેડા, ભાન વડીયા, તરેડ, બેલમપર, કાકીડી, રાજાવદર, ગળથર, શેતરાણા તેમજ વાઘવદરડા સહિતના ગામોને જોડતો માર્ગ હોય છતાં પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી. સવારથી સાંજ સુધી આ માર્ગ વાહનોથી ધમધમતો હોય છે અને તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજીરોટી માટે ફરજિયાત મહુવા આવવાનું હોય છે તેથી તેઓને મહત્તમ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે વાહન ચાલકોને પણ કમરના દુખાવા થઈ જાય છે તો બીજી તરફ દિન પ્રતિદિન વાહનોનું મેઈન્ટેનન્સ વધી રહ્યું છે.ખાસ કરીને ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા આ ખાડાઓ દેખાતા પણ ન હોય જેથી વાહન ચાલકોને પારાવાર હેરાનગતિ વેઠવી પડી રહી છે આ અંગે ગ્રામ્ય વિસ્તારો દ્વારા અનેક વખત લેખિત મોખીક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રને આ માર્ગ બનાવવામાં કોઈ પણ જાતનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે.