શહેરનો એકમાત્ર મેઘાણી ઓડીટોરીયમનું ભાડુ વધારાતા કલાકાર આયોજકો મુંઝવણમાં
- સ્ટેજ સો ઓર્ગેનાઇઝર-આર્ટીસ્ટ એસો. દ્વારા રજૂઆત
- ઓડીટોરીયમની સુવિધા ઘટવા છતાં ભાડુ વધારાયું, 50 થી વધુ વખત નિઃશુલ્ક આયોજનો થયા અને હવે ખોટ !
મેઘાણી ઓડીટોરીયમના વપરાશકર્તાઓ માથે તોતિંગ ભાડા વધારાનો તા.૨૯-૯-૨૦૨૩થી અમલ થયેલ છે. તા.૨૯-૯-૨૦૨૩ પહેલા જે લોકોએ ભાડુ ભરેલ છે. તેઓને પણ એસ્ટેટ વિભાગમાંથી ફોન કરી વધારાનું ભાડુ ભરવા સંચાલકો દબાણ કરી રહ્યા છે. આ બાબતે સ્ટેજ શો ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્ટીસ્ટ એસો. દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અધધ, આખા સૌરાષ્ટ્ર ગુજરાતના ઓડિટોરીયમમાં આટલું તોતિંગ ભાડુ નથી. કહેવાતી કલાનગરી ભાવનગરમાં સંચાલકોની બેદરકારીથી ખોટનું બહાનુ કાઢી તોતીંગ ભાડા વધારો કરેલ છે જે શનિ-રવિમાં પ્રથમ સીફ્ટનું ૨૬૯૬૦, બીજી સીફ્ટનું ૩૩૪૫૦ અને ત્રીજી સીફ્ટનું ૩૯૯૪૦ થવા પામ્યું છે. વધારાની લાઇટ, ખુરશી, કલાકારોને જમવાનો ચાર્જ વગેરે મળી કુલ ૪૪૪૪૦+ ૫૦,૦૦૦ ડીપોઝીટ કુલ રૂા.૯૪,૪૪૦ પહેલા ભરવા તેવી સ્થિતિ સર્જાઇ છે. તો પ્રેક્ષકોને હોલમાં પાણીની બોટલ લઇ જવા દેતા નથી. મોટી ઉંમરના તથા નાના બાળકો વગેરે હેરાન થાય છે તો સફાઇના અલગથી પૈસા લેવાય છે તે શેના ? સ્ટેજ લાઇટ અલગ અલગ પ્રકારની કુલ ૬૩ નંગ છે તેમાંથી ૧૪ લાઇટ ચાલુ છે અને નવા ભાડા પ્રમાણે તમે બહારથી લાઇટ લાવો તો એક્સ્ટ્રા પૈસા ભરવાના એસીની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ભાવનગર સ્ટેજ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર અને આર્ટિસ્ટ એસોસીએશને ભાજપ શહેર પ્રમુખ તથા મેયર તથા કમિશનર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ છે અને બધા જ પદાધિકારીઓએ શક્ય તેટલું ભાડુ ઓછુ કરવાની ખાત્રી આપેલ છે. કોરોના કાળમાં બે વર્ષ ઓડિટોરિયમ બંધ હતું તેનો ખર્ચ લાઇટબીલ, સફાઇ કામદારો સીક્યુરીટી તથા અન્ય ખર્ચ સરવૈયામાં સામેલ કરી જંગી ખોટ બતાવવામાં આવેલ છે. તદઉપરાંત હોલ શરૂ થયો ત્યારથી ૨૯-૯-૨૦૨૩ સુધીમાં ઘણી જ સંસ્થાઓએ લગભગ ૫૦ વખત હોલ મફતમાં મેળવેલ છે જેનો ખર્ચ પણ આ સરવૈયામાં બાદ કરવો જોઇએ. શરૂઆતમાં સ્વીમીંગ પુલનું પણ લાઇટબીલ ઓડિટોરિયમની સાથે હતું તે પણ નોંધ લેવા જેવી બાબત છે.
અન્ય શહેરોના ઓડિટોરીયમમાં દર ત્રણ મહિને એસી તથા પેનલ બોર્ડ વગેરે સર્વિસ થતા હોય છે પણ મેઘાણી ઓડિટોરીયમમાં આટલા વર્ષ પછી સર્વિસનું કામ થાય છે જેને લીધે કોમ્પેશર પેનલ બોર્ડ વગેરેમાં જંગી બીલ ચુકવવું પડયું છે જે ૯,૬૧,૦૬૨ રૂપિયા થાય છે જે અણઆવડત દર્શાવે છે. આમ પાઘડીનો વળ છેડે આવતો હોય મ્યુનિ. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરવા માંગ ઉઠી છે.