ફીર એક બાર મહેંગે દિનઃ રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ।.70ને આંબી ગયો!
- કેન્દ્ર સરકારના બજેટથી એક દિવસમાં પેટ્રોલ અઢી રૂ।.મોંઘુ
- લોકો મોંઘવારીની ચક્કીમાં વધુ પીસાશે, આગામી ચૂંટણી સુધી આવા ડામ દેવાનો સિલસિલો ચાલશે? આમ નાગરિકોમાં સવાલ
- ઈલેક્ટ્રીક વાહનો પ્રચલિત ન થાય ત્યાં સુધી ઈંધણમાં ભાવ વધારો લોકો માટે થશે અસહ્ય
રાજકોટ, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર
ઈંધ ણનો વપરાશ એ લોકોનો શોખ નથી પણ પેટિયુ રળવા માટેની મજબૂરી છે અને આ ભાવવધારાની તરફેણમાં મત કે મંતવ્ય લોકો આપતા નથી. આમ છતાં ફરી પાંચ વર્ષ માટે આવેલ સરકારે આરંભમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ।.અઢીનો વધારો ઝીંકી દેતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. રાજકોટમાં પેટ્રોલમાં રૂ।.૨.૪૩નો વધારો થતા લિટરનો ભાવ રૂ।.૭૦ને આંબી ગયો છે તો ડીઝલમાં રૂ।.૨.૩૫ના વધારા સાથે તે પણ રૂ।.૭૦ નજીક પહોંચી ગયું છે.
રાજકોટમાં રોજ આશરે ૫ લાખ લિટરથી વધુ પેટ્રોલ-ડીઝલ વપરાય છે જેના પગલે એક દિવસમાં જ રૂ।.૧૨ લાખથી વધુનો બોજ માત્ર આ શહેર પર પડયો છે. બજેટમાં ઈ-કાર માટે પ્રોત્સાહનની વાતો છે પણ સરકારે પહેલા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર્સ, કાર વગેરેનું માર્કેટ અને ખાસ કરીને તે રિચાર્જ કરાવતા સ્ટેશનો પર્યાપ્ત સંખ્યામાં ઉભા કર્યા પછી પેટ્રોલનો વપરાશ ઘટાડવા આવા પગલા લેવા જોઈએ તેવી લોકા ભારપૂર્વક માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કેઅગાઉના વર્ષોમાં જ્યારે કેન્દ્રએ પેટ્રોલડીઝલના ભાવ વધાર્યા ત્યારે ભાજપના નેતાઓએ પણ તેનો આકરો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલ ગત પાંચ વર્ષોમાં જ્યારે સસ્તુ થયું ત્યારે તેના પર એક્સાઈઝ ડયુટી વધારી દઈને તેના ભાવ ફરી વધારી દેવાયા હતા અને એ રીતે સરકારે અગાઉ અબજો રૂ।.ની આવક તો મેળવી લીધી છે ત્યારે હવે મંદીના સમયમાંથી લોકો બહાર નીકળી શકે તે માટે જેના વગર ચાલે તેમ નથી તે ચીજવસ્તુના ભાવ ઘટાડાય તેવી લોકલાગણી છે.