Get The App

કાલથી યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ

Updated: Nov 10th, 2019

GS TEAM

Google News
Google News
કાલથી યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ 1 - image

ભાવનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર

ચાતુર્માસ પરિવર્તન બાદ યાત્રાધામ પાલિતાણા ખાતે તા. 12 નવેમ્બરને મંગળવારથી કાર્તકી પુનમના અવસરથી પવિત્ર શત્રુંજય યાત્રાનો શુભારંભ થશે. આ પ્રસંગે હજજારોની સંખ્યામાં આબાલવૃધ્ધ યાત્રિકો ઉમટી પડશે. આ સાથે પાલિતાણામાં શેત્રુંજય તળેટી પર  ફરી 99 યાત્રાનો પણ પ્રારંભ થશે.

ચાતુર્માસના ચાર માસ સુધી તીર્થનગરી પાલિતાણામાં શત્રુંજયની યાત્રા વિધિવતપૂર્વક બંધ રહેતી હોય છે જે કારતક માસની પુનમથી જયપૂર્વક યાત્રાનો પ્રારંભ સાધુ, સાધ્વીજી ભગવંતો તેમજ આબાલવૃધ્ધ શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા થતો હોય છે. જે પરંપરા મુજબ તા. 12-11-2019ને મંગળવારથી આ યાત્રાનો પ્રારંભ થશે આ સાથે 99 યાત્રાનો પણ પ્રારંભ થશે. અંદાજે ૯ જગ્યાએ હજજારોની સંખ્યામાં નવ્વાણુ યાત્રા કરનાર યાત્રિકો દ્વારા પણ  વિધિવત રીતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.આ અવસરે સાધુ સાધ્વીજી ભગવંતો દ્વારા ચાતુર્માસ પરિવર્તન કરવામાં આવતુ હોય છે.

આ સાથે પાલિતાણામાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત ભાતાખાતુ પણ શરૂ થઈ જશે. આ પર્વે હજજારો શ્રાવક અને શ્રાવિકાઓ યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધશે.  એટલુ  જ નહિ, શંત્રુજય પર્વતની યાત્રાના શુભારંભની સાથે તેના પર નભતા ડોલી સહિતના વ્યવસાયકારોના ધંધા,રોજગાર પણ શરૂ થઈ જશે.

યાત્રા દરમિયાન કાચુ ઉકાળેલ પાણી,  જરૂરી મેડીકલ સારવાર તેમજ નવ્વાણુ યાત્રા કરનાર યાત્રિકોને દરરોજની બે ત્રણ યાત્રા કરતા હોય છે તેઓને તકલીફ ન પડે તે માટે યાત્રા દરમિયાન આવશ્યક તમામ વ્યવસ્થાઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે તેમ સિનીયર મેનેજરએ જણાવ્યુ હતુ.
Tags :