ફિશીંગની શરૂઆત ટાણે સૌરાષ્ટ્રનાં માછીમારોનાં ઉત્સાહમાં ઓટ
- મંદી, ડિઝલનાં ભાવ વધારા સામે કોઈ સરકારી રાહત ન મળી
- કોરોનાને કારણે દરિયા દેવનું પૂજન મોકૂફ
ખલાસીઓનાં ટેસ્ટ કરાવવા લાંબી લાઈનો
સોૈરાષ્ટ્ર - ગુજરાતનાં લાખો માછીમારો છેલ્લા લગભગ છ મહિનાથી બેકાર બેઠા છે. આજે તા.૧ લી ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થશે અને ધંધા - રોજગાર ધમધમતા થશે તેવી આશા હતી પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યુ છે. કારમી મંદી અને ડિઝલનાં આકરા ભાવ વધારા સામે સરકારે કોઈ રાહત ન આપતા મોટાભાગનાં બોટ માલિકોએ ફિશીંગ જવાનું હાલ ટાળ્યુ છે. એક તરફ કોરોના બીજી તરફ મંદીના વમળમાં હજારો બોટ માલિકો ફસાયા છે. ફિશીંગની સિઝનની શરૂઆત ટાણે જ લાખો માછીમારોમાં ઉત્સાહની ઓટ જોવા મળી રહી
માછીમારો માટે વર્ષ ર૦ર૦ નું વર્ષ જ સંઘર્ષવાળુ રહયુ છે. જાન્યુઆરીમાં વાવાઝોડાને કારણે માછીમારી કરી ન શકયા અને માર્ચમાં કોરોનાને કારણે બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી હતી. હજારો માછીમારો બોટમાં જ મહિનાઓ સુધી કવોરન્ટાઈન રહયા હતા. છેલ્લા છ મહિનાથી લાખો માછીમારો આર્થિક બેહાલીની ગર્તામાં ધકેલાઈ ગયા છે. તા. ૧ લી ઓગસ્ટે ફિશીંગની સિઝનની શરૂઆત પર આશાની મીટ માંડીને બેઠા હતા પરંતુ આ આશા પર મંદી અને ડિઝલનાં ભાવ વધારાને કારણે પાણી ફરી વળ્યુ છે. ડિઝલનાં ભાવ રૂ. ૭૭ સુધી પહોંચી ગયા છે. બોટમાં સ્ટોક કરીને ફિશીંગ માટે રવાના કરવાની હોય છે. માછીમાર સંગઠનોએ ડિઝલનાં ભાવમાં એકસાઈઝ ડયુટી ૩૩ ટકા હોય છે તેમાં માફીની માગણી કરી હતી પરંતુ સરકારે તે સ્વીકારી ન હતી.
સૌરાષ્ટ્રમાં ૧પ હજાર સહિત દક્ષિણ ગુજરાતમાં મળીને આશરે રપ હજાર બોટ માલિકો છે. માછીમાર આગેવાનોએ જણાંવ્યુ હતું કે અગાઉ માલ વેચ્યો છે તેના પૈસા હજુ વેપારીઓ પાસે બાકી છે લાખો - કરોડોની આ રકમ ફસાઈ છે. નિકાસ બંધ હોવાથી વેપારીઓનાં નાણાં ફસાયા છે. બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનાં ખર્ચા ચડી ગયા છે. ખાસ કરીને ચાઈનાંમાં સૌથી વધુ મચ્છી નિકાસ કરવામાં આવતી હોય છે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. તા. ૧ લી ઓગસ્ટથી ફિશીંગ શરૂઆત ખુબ નબળી થઈ છે. માંગરોળ, પોરબંદર, જાફરાબાદ , વેરાવળ સહિતનાં બંદરો પરથી દસેક ટકા બોટ પણ હજુ ફિશીંગમાં જઈ શકી નથી. ૯૦ ટકા બોટ લાંગરેલી પડી છે.
મંદી અને કોરોનાને કારણે બોટ માલિકોને બેવડો ફટકો પડયો છે. દરેક ખલાસીઓને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ ફિશીંગમાં જવાની સરકારની સૂચના છે. જાફરાબાદ સહિતનાં બંદરીય શહેરોમાં આરોગ્યની એક જ ટીમ કોરોના ટેસ્ટ માટે આવી છે અને ખલાસીઓની સંખ્યા હજારોમાં છે. ટેસ્ટ માટે લાંબી કતારો લાગી છે. સરકારે માછીમારોને આ વર્ષે સિઝન શરૂ થાય તે પહેલા વેટ કે એકસાઈઝ ડયુટીમાં રાહત તો ન આપી પરંતુ ગયા વર્ષની સબસીડીનાં કરોડો રૂપિયા હજુ બોટમાલિકોને નથી ચૂકવ્યા તેવુ જાફરાબાદનાં માછીમાર આગેવાનોએ જણાંવ્યુ હતુ.
ફિશીંગ સિઝનનાં આરંભે માછીમારો હજારોની સંખ્યામાં દરિયાદેવનું પૂજન કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ પૂજન વિધી બંધ રાખવામાં આવી છે. જો કે આ વર્ષે હજુ બોટો કયારે અને કેટલી દરિયામાં જશે તે નકકી જ નથી. ચારેક મહિનાનાં વેકેશન બાદ માછીમારોમાં નજવી સિઝનનો ઉમંગ હોય છે તેના બદલે નિરૂત્સાહનું વાતાવરણ જોવા મળી રહયુ છે.