ભાવનગર, તા. 28 ઓગસ્ટ 2018, બુધવાર
ભજન, ભોજન અને ભક્તિના સમન્વય સાથે આગામી શુક્રવારે ભાદરવી અમાસ નિમિત્તે કોળિયાકના ઐતિહાસિક નિષ્કલંક મહાદેવજીના દરિયામાં દોઢથી બે લાખ ભાવિકો પવિત્ર સમુદ્રસ્નાન કરી પૂર્ણનું ભાથું બાંધશે. કોળિયાકનો મેળો એક દિવસ અગાઉથી જ શરૂ થઈ જતો હોય, આવતીકાલ ગુરુવાર સાંજથી જિલ્લાભરના તમામ માર્ગો કોળિયાક ભણી ફંટાશે.
આવતીકાલે ગુરુવારથી નિષ્કલંક મહાદેવજીના સાનિધ્યમાં કોળિયાકના મેળાનો પ્રારંભ થશે. કોળિયાકના મધદરિયે બિરાજમાન નિષ્કલંક મહાદેવજીના સ્થંભે પહેલી ધ્વજા રાજવી પરિવારની ચડતી હોય, રજવાડા સમયથી ચાલી આવતી આ પરંપરા મુજબ કાલે ગુરુવારે શહેરના નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે.
જ્યારે શહેર અને જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો નિષ્કલંક મહાદેવજીના દર્શન માટે પગપાળા જવા નીકળશે. રાત્રે નિષ્કલંક મહાદેવજીના દરિયાકાંઠે ભજન, ભોજન અને લોકડાયરા સાથે ભક્તિની રમઝટ જમાવતો ભાતીગળ લોકમેળો ભરાશે. આ વર્ષે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાને કારણે રાતના મેળામાં વરસાદના વિઘ્નની શક્યતા દર્શાવાઈ રહી છે.
શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસે પવિત્ર સમુદ્ર સ્નાન કરવા રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કોળિયાકના દરિયાકાંઠે ઉમટી પડશે. શુક્રવારે વહેલી સવારે રાજવી પરિવાર દ્વારા પૂજન-અર્ચન અને ત્યારબાદ ધ્વજાજી ચડાવી નિષ્કલંકના મેળાનો વિધિવત પ્રારંભ થશે. મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મહિલા અને પુરૂષ પોલીસ, ઘોડેસવાર પોલીસ, હોમગાર્ડ, તરવૈયાઓની ટીમ, મેડીકલ ટીમ, ગ્રામ પંચાયતના કંટ્રોલ રૂમનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહેશે. આ વર્ષના સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કોળિયાકનો મેળો સ્વચ્છ મેળો બની રહે તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ કરી રાખી છે.


