નિર્મળનગરમાં આધેડની કરપીણ હત્યા
- હજુ બે દિવસ પૂર્વે બનેલી રક્તરંજીત ઘટનાની શાહી સુકાઈ નથી ત્યા..
- સાત વર્ષ પૂર્વે પુત્ર સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી બે શખસે છરીના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું: પોલીસ કાફલો દોડી ગયો
ભાવનગર, 21 ડીસેમ્બર 2019 શનિવાર
શહેરના કણબીવાડમાં હજુ બે દિવસ પૂર્વે મધ્ય રાત્રિના આધેડની હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં આજે નિર્મળનગરમાં સાત વર્ષ પૂર્વે પુત્ર સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી બે શખસોએ પિતા પર હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાસી છુટતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં ડીવાય. એસ.પી., નિલમબાગ પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
બનાવન સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ શેરી નં. ૮માં રહેતા વિશાલભાઈ ભરતભાઈ મેઘાણી (પ્રજાપતિ)એ નિલમબાગ પોલીસ મથકમાં મજબુતસિંહ જીલુભા જાડેજા (શેરી નં. ૧૦ નિર્મળનગર) અને એક અજાણ્યા શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આજે બપોરના અરસા દરમિયાન તેઓના પિતા ભરતભાઈ વશરામભાઈ મેઘાણી (ઉ.વ.૫૬) રાબેતા મુજબ નિર્મળનગર શેરી નં. ૭માં આવેલ લેથની દુકાને બેસવા માટે ગયા હતા તે વેળાએ તેઓને ૨૦૧૩ની સાલમાં મજબુતસિંહ સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખી ઉક્ત બન્ને શખસોએ તેઓના પિતા સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ છાતીના ભાગે છરીના જીવલેણ ઘા મારી હત્યા કરી નાસી છુટયા હતા.
ધોળા દિવસે નિર્મળનગરમાં રક્તરંજીત ઘટના ઘટતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતાં સીટી ડીવાય.એસ.પી. ઠાકર, નિલમબાગ પો.સ્ટે.ના પી.આઈ. ચૌધરી, ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડી ફરિયાદ અનુસંધાને બન્ને શખસ વિરૂધ્ધ આઈ.પી.સી. ૩૦૨, ૧૧૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.