દેશમાં પાંચમા ભાગનું કપાસ પેદા કરતા સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધૂમ આવક શરુ
- ગુજરાતમાં 92 લાખ ટન કપાસ ઉત્પાદન,71 ટકા માત્ર સૌરાષ્ટ્રમાં
- ગત વર્ષે ૨૮૦૦એ પહોંચેલા ભાવ આ વર્ષે ૧૯૦૦થી નીચે, રાજ્યમાં ગત વર્ષથી ૩ લાખ હેક્ટરમાં વધુ વાવેતર,વધુ પાક
- રાજકોટ યાર્ડમાં ૩૫,૦૦૦ ગોંડલમાં ૩૩,૩૭૫ મણ કપાસની ભારીઓ ઠલવાઈ
રાજકોટ
કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં સાડાત્રણ ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૨ લાખ ટનમાં ૭૦થી ૭૨ ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે.ગત ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા લાગ્યો છે. ખેડૂતોએ ભાવ રૂ।.૨૦૦૦ની સપાટી વધે તેની રાહ જોઈ હતી પરંતુ, હવે માલ બજારમાં લાવવાનું શરુ કરી દીધું છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની સર્વાધિક ૭૦૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૫ હજાર મણની આવક નોંધાઈ છે અને ખેડૂતોને રૂ।.૧૮૦૫થી ૧૮૯૨ના ભાવ રહ્યા છે. જ્યારે ગોંડલમાં ૬૬૭૫ ક્વિન્ટલ અર્થાત્ ૩૩૩૭૫ મણની આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં પણ ૧૩૦૧ ક્વિન્ટલની આવક નોંધાઈ છે. એકંદરે કપાસના ભાવ પ્રતિ મણ રૂ।.૨૦૦૦થી નીચા અને રૂ।.૧૮૦૦થી વધુ રહ્યા છે.
ચાલુ વર્ષે ગુજરાતમાં ૨૫.૪૯ લાખ હેક્ટર પૈકી ૧૮.૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં છે અને તેમાંય સર્વાધિક સુરેન્દ્રનગરમાં ૪૦૫૬૦૦ હે.માં અને અમરેલી જિ.માં ૩૫૧૮૦૦ હે.માં વાવેતર થયું છે. વલસાડ,નવસારી,ડાંગ સિવાયના તમામ ૩૦ જિલ્લામાં કપાસ પકવાય છે.
દેશમાં 'અપેડા 'ના છેલ્લી વિગત મૂજબ ગુજરાતમાં ૨૦૧૯-૨૦માં ૮૬.૧૭ લાખ ટન સહિત દેશમમાં ૩૫૬.૩૦ લાખ ટન ઉત્પાદન થયું હતું અને ગુજરાતનો ફાળો ૨૩.૮૯ ટકા હતો. જ્યારે ઈ.સ.૨૦૧૧-૧૨માં ગુજરાતમાં ૧૨૦ લાખ ટન ઉત્પાદન સાથે દેશમાં ૩૪ ટકા કપાસ ગુજરાતમાં પાક્યું હતું. છેલ્લે પ્રાપ્ત માહિતી મૂજબ ઈ.સ.૨૦૨૧-૨૨માં ગુજરાતમાં ૯૨ લાખ ટન ઉત્પાદન નો અંદાજ છે અને તેમાં ૭૦ ટકાથી વધુ કપાસ સૌરાષ્ટ્રમાં થાય છે.
ચાલુ વર્ષે તાજેતરમાં પૂરી થયેલી ખરીફ સીઝનમાં ગુજરાતમાં ૨૫.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ગત વર્ષ ૨૦૨૧માં ૨૨.૫૪ લાખ કરતા આશરે ૩ લાખ હેક્ટર વધુ વાવેતર હતું. નોર્મલ સરેરાશ ગુજરાતમાં ૨૪ લાખ હેક્ટર કરતા પણ આ વર્ષે ૬ ટકા વધુ વાવણી થઈ છે અને વધુ પાકનો અંદાજ છે. ગત બે વર્ષોમાં ઓછા ઉત્પાદનના પગલે કપાસના ભાવ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રમાં પ્રતિ મણ ૨૮૦૦થી ૩૦૦૦ સુધી પહોંચ્યા હતા.ખેડૂતો હજુ વધુ ભાવની રાહ જોઈ રહ્યા છે અને રૂ।.૨૦૦૦ની સપાટીએ ભાવ પહોંચે તો આ સફેદ સોનાના વધુ ઢગલા થવા સંભવ છે.