નકલી પીએસઆઈ હોવાની ઓળખ આપી ઠગાઈ કરનાર શખ્સ એક દી'ના રિમાન્ડ પર
- ભાવનગર શહેરના સોની વેપારીને
- સુરત ખાતે ઝડપાયેલ શખ્સનો ગંગાજળિયા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જવેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત ૭મી ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્યક્તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી. અને જણાવ્યું કે, 'અમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને ઝડપ્યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં વેચેલો છે. અને તમે તેને રૂ.૩૧,૫૦૦ રોકડા આપ્યા છે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.૩૧,૫૦૦ નકલી પીએસઆઈને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરીએ અને જો પૈસા નહી મોકલો તો ત્યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું.'અને તે પછી પણ ત્રણ-ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત ૨૧ ઓક્ટોબરના રોજ સોનાના વેપારીના ફોન પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને ૭ ઓક્ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પૃચ્છા કરી વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જેને પૈસા મોકલ્યા તેનું નામ અભિષેક સાવલિયા છે. અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકતનો ખુલાસો થતાં અલ્પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે નકલી પીએસઆઈની ઓળખ આપનાર અભિષેક નામના શખ્સનો સુરત ખાતેથી ટ્રાન્સફર વોરંટથી ભાવનગરની ગંગાજળિયા પોલીસે કબ્જો મેળવ્યો હતો. પોલીસે અભિષેક કાંતિભાઈ સાવલિયાને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ગંગાજળિયા પોલીસ મથકના પીઆઇ સી.પી. વાઘેલાએ જણાવ્યું હતું.
પીએસઆઇ હોવાની ઓળખ આપી વેપારીઓને ઠગતો હતો : પીઆઈ
પીએસઆઇ હોવાની ઓળખ આપી જુના વેપારીઓને કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડીં અભિષેક કાંતિભાઈ સાવલિયા નામનો શખ્સે ધરાવે છે. અભિષેક જામનગરના જશાપરા ગામનો વતની છે અને હાલ વડોદરા ખાતે સ્થાયી થયેલો છે. તદુપરાંત, વેપારીઓને ધમકી આપી શખ્સ ગૂગલ પે દ્વારા રૂપિયા મેળવી છેતરપિંડી આચરતો હોવાનું ગંગાજળિયા પોલીસ મથકના પીઆઇ સી.પી. વાઘેલાએ જણાવ્યું હતું.