ગઢડા પંથકના શખસે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
- દિન-પ્રતિદિન સામે આવતા બળાત્કારના કિસ્સાઓમાં વધુ એક બનાવ
- પાંચ માસનો ગર્ભ રહી જતા સમગ્ર વિગતો સામે આવ્યા બાદ ગુંદાળાના શખસ સામે ગુનો નોંધાયો
ભાવનગર,17 ડીસેમ્બર 2019 મંગળવાર
સમગ્ર દેશમાં બળાત્કારના કિસ્સાઓથી ખળભળાટ મચ્યો છે તે વેળાએ વધુ એક કિસ્સો ગઢડા પંથકમાં સામે આવતા ચકચાર છવાઈ જવા પામી છે. ગુંદાળા વાડી વિસ્તારમાં રહેતા શખસે સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતા સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતા સમગ્ર ચોકાવનારી વિગતો સામે આવ્યા બાદ શખસ સામે ગુનો નોંધાવા પામ્યો છે.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને ગઢડા તાલુકાના ઢસા પંથકમાં રહેતી ૧૭ વર્ષ અને ૭ માસની સગીરાએ ગઢડા પોલીસ મથકમાં ગઢડા તાલુકાના ગુંદાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલા વસંતભાઈ ભીલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા. ૧૫-૬થી ૧૫-૭ના એક માસના સમયગાળા દરમ્યાન ઉક્ત શખસે તેણીને ગુંદાળા સીમ વિસ્તારમાં લઈ જઈ તેણી સાથે અડપલા કરી ઈચ્છા મરજી વિરૂધ્ધ અલગ અલગ સમયે તેણી સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.
અને કોઈને વાત કરીશ તો તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી શખસે ધમકી આપી હતી. ઉક્ત શખસના કુકર્મના પગલે સગીરાને પાંચ માસનો ગર્ભ રહેતા સમગ્ર વિગતોથી પરિવાર વાકેફ થયા બાદ શખસ સામે ગુનો નોંધાવા પામતા ગઢડા પોલીસે ગુંદાળા વાડી વિસ્તારનાં શખસ સામે આઈપીસી ૩૭૬ (૨ એન) ૫૦૬(૨) પોકસો એક્ટ ૪, ૬, ૮, ૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ બોટાદ સી.પી.આઈ.એ હાથ ધરી છે. સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ થયાનું સામે આવતા સમગ્ર ગઢડા પંથકમાં ભારે ચકચાર છવાઈ જવા પામી હતી.