ઉનામાં બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયનો ફિયાસ્કો
- ચાર દિવસમાં 12 કોરોના કેસ વચ્ચે
- વેપારી સંગઠને બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનું જાહેર કર્યું પણ આંતિરક અસંતોષને કારણે નિયમ પાલન ન થયું
ઉના, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર
ઉનામાં વેપારી સંગઠને જાહેર કરેલા બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉનનાં નિર્ણયનું બાળમરણ થયું છે. વેપારીમાં અસંતોષ વચ્ચે વ્હાલા-દવલાની નીતિથી રોષ પ્રસરતા બધી દુકાનો ખુલ્લી રહે છે. ઉના શહેર તથા તાલુકામાં કુદકે ને ભુસકે વધતા કોરોના પોઝીટીવ કેસમાં ૪ દિવસમાં ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે છતાં લાપરવાહી પણ યથાવત્ રહી છે.
ઉના શહેર તથા તાલુકામાં કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો હોવાથી ૪ દિવસ પહેલાં ઉના શહેર ગ્રેઈન મર્ચન્ટ એસોસીએશન તથા દવાના વેપારી એસોસીએશન દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરીને વેપારીઓએ બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા ઉપરાંત દુકાનમાં સ્ટાફ તથા ગ્રાહકોને સેનીટાઈઝ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક બાંધવા સૂચના જાહેર કરી હતી. પરંતુ પહેલા જ દિવસે વેપારીઓમાં અસંતોષ ઊભો થતાં ઘણાં વેપારી તથા મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતા.
તેથી બીજા દિવસે ફરી જાહેર કરેલું કે, સૌને પોતાની જવાબદારીથી દુકાનો ખુલ્લી રાખવાની રહેશે. પરંતુ સ્વૈચ્છીક લોકડાઉન પાળવાનું બાળમરણ થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી બધી દુકાનો ખુલ્લી રહે છે. ઘણી દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી કે ગ્રાહકને માસ્ક પહેરવા પણ સમજાવાતા નથી. ઉનાની શાકમાર્કેટમાં સવારે હરાજીમાં લોકો ટોળે વળે છે. અંતર જળવાતા નથી. આખો દિવસ શાક અને ફ્રૂટ વેચતા વેપારીઓ કે ખરીદવા આવતા ગ્રાહકો પણ નિયમનું પાલન કરતા નથી. હાલ ઉના શહેર-તાલુકો ભગવાન ભરોસે છે.
છેલ્લા ૪ દિવસમાં કોરોના પોઝીટીવનાં ૧૨ કેસ આવેલ છે. ઘણાં કોરોના સ્પ્રેડર્સ આંટા મારે છે. ઉના તાલુકામાં કોરોના ટેસ્ટનાં અમુક સેમ્પલ લેવાની સત્તા હોવાનું આરોગ્યતંત્ર જણાવે છે. જો વધુ ટેસ્ટ કરાવે તો ઉના શહેર-તાલુકામાં કોરોના કેસ વધુ આવે તેવી શક્યતા છે.