બોટાદ જિલ્લો બન્યાને 8 વર્ષ વિત્યા બાદ શહેરનો વિકાસ પણ ઠેરનો ઠેર
- રાજકીય ઈચ્છા શક્તિનો અભાવઃ કહેવાતા આગેવાનો વિકાસ પંથે પણ જિલ્લામાં ઉદ્યોગ-ધંધાની માઠી બેસી
બોટાદ, 10 ડિસેમ્બર 2019 મંગળવાર
બોટાદ ૨૦૧૨થી જીલ્લો થયા પછી જીલ્લા પ્રકારની ખાસ સુવિધા નથી. શહેરમાં બે મોટા જબરજસ્ત માર્કેટ યાર્ડો આવેલ છે જેમાં દરરરોજ કરોડો રૂપિયાનો માલ વેચાણ માટે આવી રહ્યો છે. છતાં ઔદ્યોગીક રીતે અત્યંત પછાત છે. રાજકીય સાધીશો અને સરકારી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ આપવામાં આવી નથી.
બોટાદ શહેરમાં હિરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલ છે. અવેડાના ઝાંપે મોટા મોટા બિલ્ડીંગોમાં હીરા બજાર આવેલા છે. હિરાના કારખાના વિશાળ સંખ્યામાં છે પણ હીરામાં હાલમાં ખુબ જ મંદી હોય હિરા ઉદ્યોગ મૃત પ્રાય અવસ્થામાં જોવા મળે છે.
બોટાદ શહેરમાં પંથકમાં ઔદ્યોગીક વિકાસ વેગવંતો બનાવવા માટે રાષ્ટ્રીય કૃત બેંકોની સક્રીયતા પણ જરૂરી હોય બેંકો દ્વારા વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ પ્રોજેક્ટસ થકી તેમજ વિવિધ નિગમ તેમજ સરકારની યોજના અંતર્ગત જેને લીડ બેંકોને લોન આપવા માટે ભલામણો કરે છે. પરંતુ મોટા ભાગની બેંકો લોન આપવામાં બિનજરૂરી વિલંબ કરે છે.
છેલ્લે મોટા ભાગના કેસમાં લોન આપવામાં આવતી નથી ? તેમ પ્રાથમિક કક્ષાએ જોવા મળે છે જેના કારણે લઘુ ઉદ્યોગકારો પરેશાન થાય છે ત્યારે લોન ધિરાણ માટે આધારો-દસ્તાવેજો સહિતની વિગતો માટે તજજ્ઞાો દ્વારા નિયમિત અથવા સમયાંતરે માર્ગદર્શક કેમ્પો યોજવા જોઈએ અને લોન ધિરાણ માટેના નિયમો તથા લોન ફોર્મની જટીલ પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. શહેરમાં દુધની ડેરી, કોટન મીલ, સહિતના વિવિધ ઉદ્યોગો સ્થાપવા માટે સરકારી તંત્ર આ વિસ્તારના સંસદ સભ્ય કે ધારાસભ્ય તથા રાજકીય નેતાઓ સંયુક્ત રીતે નક્કર પ્રયાસો કરવાની અત્યંત આવશ્યકતા છે.
બોટાદ શહેર ઔદ્યોગીક રીતે પછાત ગણાય છે. જોઈએ તેવો ઔદ્યોગીક વિકાસ થયો નથી તેના ઘણા જ કારણો છે. માત્રને માત્ર સહીયારો પુરૂષાર્થથી જ બોટાદ શહેરનો વિકાસ શક્ય બનશે.
બ્રોડગેજ કન્વર્ઝન શરૂ થયું પણ અમદાવાદ વાયા સુરેન્દ્રનગર ટ્રેન ન જ થઈ
બોટાદથી અમદાવાદ બ્રોડગેજ લાઈનનું કામ હજુ શરૂ છે જેના કારમે બોટાદથી અમદાવાદની ૧૦ ટ્રેનો બંધ છે પણ ભાવનગરથી અમદાવાદ વાયા સુરેન્દ્રનગર થઈને એક પણ ટ્રેન વિસ્તારના સાંસદ ભારતીબેન શિયાળ શરૂ કરાવી શક્યા નથી. પરિવહનની પુરતી સવલતો હોય તો વિકાસ ગ્રાફ વધતો હોય છે. પરંતુ હાલના સંજોગોમાં પરિવહન ક્ષેત્રે રેલવે તરફથી કોઈ સુવિધા નહીં મળથા વિકાસ ક્યાંથી કરવો ?