સરકારી કર્મચારીઓને સીસીસી પરીક્ષા પાસ કરવા ચોથીવાર મુદત લંબાવાઇ

- વર્ષ 2024 બાદ અન્ય શરતો પૂર્ણ કરવાને આધિન કામ થશે
- વર્ષ 2013, 16, 20 બાદ 2024 સુધીમાં પરીક્ષા પાસ કરનારને ઉ.પગારની મુળ પાત્રતાની તારીખથી ઉ.પ.ધો. મંજૂર કરાશે
સરકારી કર્મચારી, અધિકારીઓને બઢતી- ઉચ્ચતર પગારધોરણનો લાભ મળતો રહે તેવા આશયથી સરકાર દ્વારા સરકારી કર્મચારી, અધિકારીઓના હિતમાં વખતોવખત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી, સીસીસી+ની પરીક્ષા પાસ કરવાની મુદતમાં વખતો વખત વધારો કરવામાં આવેલ હતો. આ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની મુદત તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ હતી ત્યારબાદ ઠરાવથી તા.૩૦-૬-૨૦૧૬ સુધી અને ત્યારબાદ પુનઃ મુદત તા.૩૧-૧૨-૨૦૨૦ સુધી લંબાવી અને આ વધારેલ મુદત દરમિયાન સરકારમાન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા લેવાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોય તેવા સરકારી કર્મચારી, અધિકારીઓને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થશે, જ્યારે તા.૩૧-૧૨-૨૦૨૦ બાદ પરીક્ષા પાસ કરનાર કર્મચારી-અધિકારીઓ જે તારીખે પરીક્ષા પાસ કરી હોય તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન, ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થશે તે મુજબ ઠરાવવામાં આવેલ જે બાબત વિચારણાના અંતે ફરી ઠરાવ કરી કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી, સીસીસી+ની પરીક્ષા તા.૩૧-૧૨-૨૦૨૦ સુધી પાસ કરી શક્યા નથી, તેમના કિસ્સામાં તેઓએ તા.૩૧-૧૨-૨૦૨૪ સુધીની મુદત લંબાવાઇ હોવાનું જણાયું છે. જે મુદત દરમિયાન પરીક્ષા પાસ કરેલ હશે અને અગાઉ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરીક્ષા પાસ કર્યાં તારીખથી મંજૂર કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સાઓમાં ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતાની તારીખમાં ફેરફાર કરી ઉચ્ચતર પગાર ધોરણની મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવાનું રહેશે. જ્યારે તા.૩૧-૧૨-૨૦૨૪ બાદ જે તારીખે કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરશે તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન, તેઓને ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થશે. તેમ ઠરાવાયું હતું. આ જોગવાઇઓ રાજ્ય સેવા, પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-કોર્પોરેશનના અધિકારીઓ- કર્મચારીઓને સમાન ધોરણે લાગુ પડશે.

