સી.એ.એ., એન.આર.સી. એક્ટેના સમર્થન સાથે ધંધુકામાં વિશાળ રેલી
- સંવિધાન બચાવો મંચના ઉપક્રમે
- રેલીમાં સાધુ-સંતો, આગેવાનો જોડાયા, મામલતદારને આવેદનપત્ર અપાયું: પોલીસ કાફલો તૈનાત રહ્યો
ધંધુકા,25 ડીસેમ્બર 2019 બુધવાર
ધંધુકા ખાતે સંવિધાન બચાવો મંચ દ્વારા બીરલા પોલીસ ચોકીથી ધોરીમાર્ગ પોલીસ ચોકી સુધી રેલી યોજી હતી. સંવિધાન બચાવો મંચ દ્વારા પોલીસ ચોકી નજીક મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. નાગરિકતા સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરે અને આ કાયદાનો સત્વરે અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરિકતા આપી સ્વાભિમાન પૂર્વક જીવવાના તેમના અધિકારનું રક્ષણ કરવા માગણી કરી હતી.
ધંધુકા સંવિધાન બચાવો મંચ દ્વારા મામલતદાર ધંધુકાને પાઠવેલ આવેદનપત્રમાં વડાપ્રધાનને જણાવીને રજૂઆત કરાઇ હતી કે, નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતની આસ્થાને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે. સ્વામી વિવેકાનંદે સીકાગોના તેમના ઐતિહાસિક પ્રવચનમાં ભારતની ઓળખાણ આપતા જણાવ્યંલ હતું કે, મને ગૌરવ છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલ્મનો ભોગ બનેલા અને નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મ અને દેશના લોકોને આશ્રય આપ્યો છે. આજે ભારતે પાડોશી દેશોના ત્રાહિત શરણાર્થી અલ્પસંખ્ય હિન્દુ, બૌધ્ધ, શીખ અને ઇસાઇને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાને પુનઃ જાગરણનો પરિચય આપ્યો છે.
પડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના મુસ્લિમોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યાં છે. સંસદના બંને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ મહોદયની સહી સાથે નાગરિકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે ત્યારે પડોશી દેશોના ત્રાહિત લઘુમતીઓને નવું જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે.
પડોશી દેશોની આવી નર્કની જિંદગીથી ભાગીને ભારત આવનારા આ બંધુઓને અહીં પણ છુપાઇને મજબુરીથી જીંદગી ગાળવી પડતી હતી. આવા લાખો બંધુઓને સન્માન આપનાર નાગરિકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવો મંચ ધંધુકા સમર્થન કરે છે.
સંવિધાન બચાવો મંચ સરકાર પાસે માગણી કરે છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરે અને આ કાયદાનો સત્વરે અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરિકતા આપી સ્વાભિમાનપૂર્વક જીવવાના તેમના અધિકારનું રક્ષણ કરે.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં આગેવાનો, વેપારીઓ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ ધંધુકા તાલુકાના ભાજપ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સુધરાઇ નગરસેવકો, સંસદ અને મહંત શંભુનાથજી મહારાજ, પતીત પાવનદાસજી, આશુતોષગીરીજી, બાલા હનુમાન મંદિર મહંત, મોટા હનુમાન મંદિર મહંત સહિત વિશાળ બહેનો પણ જોડાયા હતાં. સખત પોલીસ બંદોબસ્ત સાથે રેલી નીકળી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ વડા ગ્રામ્ય દ્વારા ડિવાય.એસ.પી., પી.આઇ., પી.એસ.આઇ. અને મોટ પોલીસ કાફલો બંદોબસ્તમાં તૈનાત કરી દેવાયો હતો.