Get The App

તળાજા સાથે દાઠા સહિતના 5 ગામને જોડતો પુલ ધરાશાયી

Updated: Nov 15th, 2021

GS TEAM


Google News
Google News
તળાજા સાથે દાઠા સહિતના 5 ગામને જોડતો પુલ ધરાશાયી 1 - image


- એક વર્ષ પૂર્વે કલેકટરને રજુઆત બાદ પણ જૈસે થે સ્થિતિ ! 

- ઉંચા કોટડા સહિતના યાત્રાધામોના મુસાફરો ફસાયા, હવે વીસેક કિ.મી. દૂર ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ 

તળાજા : તળાજા તાલુકાના દાઠા,તલ્લી,વાલર અને યાત્રાધામ ઉંચા કોટડા સહિતના અંતરિયાળ ગામડાઓને સાંકળતી બગડ નદી પર આજથી૪૦ વર્ષ પહેલાં બાંધવામાં આવેલો પુલ રવિવારે સાંજના અરસામાં એકાએક ધડાકાભેર તૂટી પડતા રોડની બંને તરફનો વાહન વ્યવહાર  ખોરવાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

તળાજાને આસપાસના ગામો સાથે જોડતા આ પુલ પરથી લોડિંગ ટ્રક પસાર થઈ ગયા બાદ પુલનાબે કટકા થઇ ગયા હતા. મહાકાય તિરાડ પડીને પુલ જમીન તરફ ઢળી પડયો હતો.જો કે એ સમયે કોઈ વાહન પસાર થતું ન હોય ગંભીર અકસ્માત ટળ્યો હતો.ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ જવાનો બંદોબસ્ત અર્થે દોડી ગયા હતા.તો બીજી તરફ તેની જાણ થતા ઘટના સ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડયા હતા. દાઠા ના આગેવાનએ વધુમાં જણાવ્યુ હતુ કે, અલ્ટ્રાટેક કંપની દ્વારા સતત થઈ રહેલા માઇનિંગ અને તેનો માલસામાન સાથેના મહત્તમ વાહનો આ પુલ પરથી પસાર થતા હતા તેના કારણે પુલ જર્જરિત થતો હતો.આથી એક વર્ષ પહેલાં તળાજાના ડે.કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અનેે જિલ્લા કલેકટરને પણ લેખિત માં જાણ કરાઈ હતી.માઇનિંગના વાહનો પસાર ન થાય જેથી પુલ નુકશાન ન પામે તેવી રજુઆત કરી હતી.તે રજુઆતની કોઈ જ અસર થઈ ન હતી.જેને લઈને પુલ સતત નબળો પડતો જતો હતો. જો કે છેલ્લા એકાદ મહિનાથી માઇનિંગ કામ બંધ હોય પરંતુ પુલ નબળો પડી જવાના કારણે આજે તૂટી ગયો હતો.હવે તળાજા તરફ આવવા માટે પાંચ ગામડાના લોકોને ૧૫ કિ.મી. ફરીને માળવાવ થઈને આવવું પડશે.જેથી ગ્રામજનો માટે કિંમતી ઇંધણ અને સમય બંને વેડફાશે.

કંપની તાત્કાલિક પુલ બનાવી આપે

દાઠા ગ્રામ પંચાયત અને તાલુકા પ્રતિનિધિ તરીકે કાર્યરત પોલુભા સરવૈયાએ આ વિસ્તારની જનતા વતી માગણી કરી છે કે,આ પુલ અલ્ટ્રાટેક કંપની દ્વારા થતા માઈનિંગ ના વાહનો પસાર થવાના કારણે નબળો પડયો છે અને તૂટયો હોય ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા આખો રસ્તો લિઝ પર કંપનીને આપેલ છે. આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ છવાયો છે.આથી કંપની દ્વારા તાત્કાલિક પુલ નવો મજબૂત બનાવી આપવામાં આવે.

નદીમાં ભુંગળાઓ મુકી હંગામી રસ્તો બનાવવા માંગ 

બગડ નદીમાં હાલ પાણી છે.આથી તુરત નદીમાંથી સીધો રસ્તો બની શકે તેમ નથી. ભુતકાળમાં તળાજામાં જેમ શેત્રુંજીનો પુલ તૂટયો હતો ત્યારે દાઠા સહિતના ગામડાઓની જેેવી દશા થઈ છે. હવે મોટા ભૂંગળાઓ મૂકી હંગામી રસ્તો બનાવવાની માંગ ઉઠી છે.

Tags :