બોરતળાવના પાણીમાં ગરકાવ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો
ભાવનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
ભાવનગરના ગૌરીશંકર તળાવમાં ગઇકાલે સમીસાંજના સુમારે યુવાન પાણીમાં ગરકાવ થતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. સતત ૧૨ કલાકની જહેમત બાદ આજે સાંજના અરસા દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઇ જવા પમી હતી. મૃતક યુવાન બોરતળાવ વિસ્તારનો હોવાનું ખુલવા પામ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ)માં ગઇકાલે સાંજના ૭ કલાકના અરસા દરમિયાન પાણીમાં યુવાન ગરકાવ થયો હોવાની જાણ ફાયર સ્ટેશન થતા સ્ટાફ દોડી ગયો હતો. યુવાનની શોધખોળ હાથ ધરતા રાત્રિ સુધી મળી આવ્યો ન હતો. બાદ આજે વહેલી સવારથી ફાયર સ્ટાફે મીંદડીની મદદથી તપાસ હાથ ધરતા બોરતળાવના પહેલા વાલ્વ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢી બોરતળાવ પોલીસને સોંપ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાન ગૌરાંગભાઇ પરેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૨, રે.હરખાદાદાની વાડી, બેંક કોલોની પાસે, બોરતળાવ) હોવાનું ખુલવા પામ્યું હતું. યુવાન ગરકાવ થતા આજે સવારથી જ બોરતળાવ લોકો ઉમટી પડયા હતાં અને મૃતક યુવાનનો પરિવાર વ્યાકુળ બન્યો હતો. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી.