ભાવનગરમાં બાડાની 85 સોસાયટીને પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા
ભાવનગર, તા. 04 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીની ઘણી સોસાયટીને પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે તેથી સ્થાનીક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવેલ છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યુ છે. પ્રાથમિક સુવિધાની કામગીરીમાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે ત્યારે ઝડપી કામગીરી થાય તેવુ આયોજન કરવુ જરૂરી બની રહે છે.
બાડા (ભાવનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી)ને 85 સોસાયટીમાં આશરે 80 હજાર વસાહતીઓ રહે છે પરંતુ આ રહીશોને રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ સુવિધા લાંબા સમયથી મળતી નથી તેથી લોકો પરેશાન થઈ ગયા છે. પ્રાથમિક સુવિધાના અભાવે વસાહતીઓ ખુબ જ મૂશ્કેલી અનુભવી રહ્યા છે.
આ બાબતે સ્થાનીક રહીશોએ વારંવાર બાડાને રજુઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેથી સ્થાનીક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ બાબતે ભાજપ અગ્રણી કિશોર ભટ્ટે ઉચ્ચકક્ષાએ અગાઉ રજુઆત કરી હતી અને તાજેતરમાં પણ રજુઆત કરી હતી. આ બાબતે તત્કાલ કામગીરી કરવા માંગણી કરી હતી.
ભાવનગર શહેરની બાડા વસાહતના કામની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મોટાભાગના કામોની કાર્યવાહી શરૂ થઈ ગઈ હોવાનુ ભાજપ અગ્રણીએ જણાવેલ છે. આ વિસ્તાર વસાહતીઓને સ્ટ્રીટ લાઈટ સુવિધા, રોડ, પાણી વગેરેની સુવિધા ઝડપી મળશે તેવો દાવો કરવામાં આવેલ છે ત્યારે બાડાના લોકોને પ્રાથમિક સુવિધા કયારે મળશે ? તેની રાહ જોવી જ રહી. ઘણા વર્ષોથી લોકોને પ્રાથમિક સુવિધા નહી મળતા લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે લોકોને ઝડપી સુવિધા મળે તેવુ તત્કાલ આયોજન કરવુ જરૂરી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.