રાજકોટમાં આજથી ટેસ્ટ બમણાં થશે, 3500 બેડની વ્યવસ્થા થશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોરોનાની સમીક્ષા બાદ જાહેરાત
- ફેરિયા સહિત સુપર સ્પ્રેડર્સનું સઘન ટેસ્ટીંગ થશે, કન્ટેનમેન્ટ ક્વોરન્ટાઈન વધશે-લોકો સતર્ક રહે
રાજકોટ,તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કોરોનાના કેસો દસ ગણા વધી જતા અને મહાનગર અમદાવાદ-સુરતની જેમ હોટસ્પોટ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં પ્રથમવાર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ રાજ્યના ચીફ સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી વગેરે સાથે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ, તબીબો, પદાધિકારીઓ સાથે ચાર કલાક મીટીંગો બાદ મુખ્યમંત્રીએ શહેરમાં કોરોનાને રોકવા લીધેલા નિર્ણયો અંગે પત્રકારોને જણાવ્યું કે રાજકોટમાં આવતીકાલથી કોરોના ટેસ્ટની સંખ્યા ડબલ કરવામાં આવશે અને હોસ્પિટલમાં વધુ ૨૫૦૦ સહિત ૩૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદનું ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ કહ્યું કે ત્યાં કેસો પહેલા ટોચ પર ગયા અને તેમાં સુપર સ્પ્રેડર્સ ૬૦૦૦ ફેરિયાઓનું ટેસ્ટીંગ કરાયું તો તેમાં ૭૦૦ પોઝીટીવ કેસ આવ્યા હતા. રાજકોટમાં પણ ફેરિયાઓ ઉપરાંત કરિયાણાના વેપારી વગેરેનું ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ કરવા અધિકારીઓને તાકીદ કરાઈ છે અને ટેસ્ટ કરાવ્યા બાદ ફેરિયાને પાસ પણ અપાશે. બે મહિના બાદ ફરી ટેસ્ટ થશે.
રાજકોટમાં કન્ટેનમેન્ટ, ક્વોરન્ટાઈનનું પ્રમાણ ઘટી ગયું હતું જે અંગે મુખ્યમંત્રીએ આજે જણાવ્યું કે જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે ત્યાં કન્ટેનમેન્ટ વધુ થાય તેના પર ભાર મુકાયો છે. કોઈ ફ્લેટમાં કેસ આવે તો ક્વોરન્ટાઈનની સાથે દરેકના ટેસ્ટ થવા જરૂરી છે.
રાજકોટમાં જૂન સુધી ૧૭૩ કેસ અને માત્ર જૂલાઈમાં ૧૦૭૩ કેસ થઈ ગયા છે તે સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું કે કેસો બધે વધી રહ્યા છે, રાજકોટમાં બહારગામથી અનેક લોકો સારવારમાં આવે છે તેથી હોસ્પિટલો પર ભારણ વધારે રહે તે સ્વાભાવિક છે.શહેરમાં મૃત્યુના કેસોમાં ૪૦ ટકા બહારગામના હોય છે. દરેક જિલ્લામાં શહેરોમાં જ કેસો વધારે છે. અમે મૃત્યુ દર ઘટાડવા પર ખાસ ભાર મુક્યો છે. હાલ રાજકોટમાં પચાસ ટકા બેડ ખાલી છે, આગોતરા આયોજન તરીકે ૩૫૦૦ બેડનું આયોજન આજે કરાયું છે, સી.એમ.રીલીફ ફંડમાંથી વધુ રૂ।.૫ કરોડ શહેરને ફાળવાયા છે, ૭ નવા તબીબો, વધારાની ટેસ્ટીંગ કીટ, એક્સરે સહિત સાધનો રાજકોટને ટૂંક સમયમાં મળી જશે.
શહેરમાં મૃત્યુ આંક મનપા છુપાવે છે તે અંગે તેમણે કહ્યું કે ડાયાબીટીસ,હાઈ બીપી વગેરે ગંભીર રોગ હોય તેમને કોરોનાનું જોખમ વધારે રહે છે અને તેમના મૃત્યુના કેસમાં સરકાર ચાન્સ નહીં લેવા માટે કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમક્રિયા કરાય છે પરંતુ, કોરોનાથી મૃત્યુના આંકમાં તે સમાવિષ્ટ થતા નથી. કોરોનાની છુપાવાતી વિગતોના શહેરમાં ચાલતા વિવાદ-વિરોધ મુદ્દે તેમણે કહ્યું કે રાજ્યમાં દર્દીઓના નામ જાહેર કરાતા નથી પણ કન્ટેનમેન્ટ, લત્તાઓના નામ જાહેર થાય છે. દર્દીના નામ જાહેર નહીં કરવા માટે કોઈ નિયમ કે તાર્કિક કારણ તેમણે આપ્યા ન્હોતા.
તેમણે કહ્યું ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ડરીને નાસીપાસ થાય તો ક્યાંથી ચાલે? રાજકોટમાં કોરોનાને કંટ્રોલ કરવા તેમણે લોકોનો આત્મવિશ્વાસ જળવાય રહે, ભયનો માહૌલ ન સર્જાય અને સાથે સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક, હાથ ધોવા સહિતના નિયમોનું ચૂસ્ત પાલન થાય તેના પર ભાર મુક્યો હતો.