Get The App

શિક્ષકોને સસ્તા અનાજની દુકાન અને કવોરન્ટાઈન સેન્ટરમાં ફરજ સોંપાઈ

- ઓનલાઈન શિક્ષણની સાથે હવે આ કામ માટે પણ ઓર્ડર કરાયા

- કોરોનાનાં કારણે અભ્યાસક્રમ પુરો નહીં થતા કેટલાક ચેપ્ટર રદ કરી છ માસિક પરીક્ષા લેવાની વિચારણાં

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
શિક્ષકોને સસ્તા અનાજની દુકાન અને કવોરન્ટાઈન સેન્ટરમાં ફરજ સોંપાઈ 1 - image


રાજકોટ, તા. 15 જુલાઈ, 2020 બુધવાર 

કોરોના કાળમાં શિક્ષણને સોૈથી મોટી અસર પડી છે. વેકેશન ખુલી ગયા છતાં શાળાઓ બંધ છે અને કયારે ખુલશે તે નકકી નથી બીજી તરફ પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓને પણ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહયુ છે. શાળાનાં શીક્ષકો પાસે હાલ બીજુ કાંઈ કામ નથી એમ માનીને તંત્રએ તેમને કોરોનાની કામગીરીમાં જોતરી દીધા છે. કવોરન્ટાઈન સેન્ટરમાં દર્દીની તપાસ કરવા જવાની સાથે સસ્તા અનાજની દુકાને રાશન વિતરણ યોગ્ય રીતે થાય છે કે નહી તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે આ મૂદે શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહયો છે. 

રાજકોટ જિલ્લામાં આશરે ૭૦૦૦ જેટલા સરકારી પ્રાથમિક શિક્ષકો છે તેમાંથી હાલ ર૦૦૦ જેટલા શિક્ષકો કોરોનાની કામગીરીમાં જોડાયા છે. વેકેશનમાં પણ આ અંગેની કામગીરી સોંપ્યા બાદ હવે શાળાઓ ખુલી તો પણ આ કામગીરી ચાલુ જ રાખવામાં આવી છે. કવોરન્ટાઈન સેન્ટર ઉપરાંત હોમ કવોરન્ટાઈન થયેલા કોરોનાનાં દર્દીઓની દિવસમાં બે વખત મુલાકાત લેવા સૂચનાઓ અપાઈ છે. આ કામગીરીને ડિઝીટલ કરી દેવામાં આવી છે. શિક્ષકો દર્દીનાં ઘરે જાય પછી જ આઈપેડ કે પોર્ટલ ખોલી શકે અને તેમાં ડેટા અપડેટ કરી શકે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી હોવાથી ફરજીયાત દર્દીનાં ઘરે જવુ જ પડે છે.

આ ઉપરાંત સરકારી શિક્ષકોને સસ્તા અનાજની દુકાને પણ વ્યવસ્થા જાળવવા માટે મુકવામાં આવ્યા છે. જુદી જુદી યોજના હેઠળ રાશન અપાઈ રહયુ છે તે યોગ્ય છે કે નહી, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય છે કે નહી તે બાબતોનું નિરીક્ષણ અને વ્યવસ્થા શિક્ષકોને કરવા માટે ખાસ ફરજ સોંપવાનાં ઓર્ડર કરવામાં આવ્યા છેે.

 દરમિયાન તા. ૭ મી જૂનથી પ્રાથમિક શાળાઓમાં વેકેશન પુરુ થયા બાદ ધો. ૩ થી ૮ નાં વિધાર્થીઓને ઓનલાઈન એજયુકેશન આપવાની શરુઆત થઈ છે. બે મહિનાનાં ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ પ્રથમ કસોટી આગામી તા. ર૯ મીથી બે દિવસ સુધી લેવાનું શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે એ મુજબ તેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. તા. ર૮ પહેલા  પ્રશ્ન પત્રો શિક્ષકોએ જાતે વિધાર્થીઓનાં ઘરે જઈને પહોંચતા કરવાના છે અને બે દિવસ પછી તે કલેકટ કરવાની સૂચનાઓ અપાઈ છેે. ખાનગી શાળાનાં કેટલાક શિક્ષકોએ કોરોનાનાં જોખમને લઈને આ કામગીરીનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત કોરોનાને કારણે અભ્યાસક્રમ પુરો થઈ શકયો ન હોવાથી છ માસિક પરીક્ષા જે લેવામાં આવે છે તે અભ્યાસક્રમમાં કાપ મુકવાની વિચારણા ચાલી રહી છે. 

Tags :