FOLLOW US

પાલિતાણા તાલુકામાં 200 થી વધુ ઘેટાના મોત થયાની ચર્ચા

Updated: Mar 18th, 2023


- ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં નાના પશુઓમાં રોગચાળો વકર્યો 

- માંડવડા ગામમાં જ 170 જેટલા ઘેટાઓના મોત થયાનો ગ્રામજનોનો દાવો ; સરકારી તંત્ર પાસે 11 ઘેટાના મોત થયાનો સત્તાવાર આંકડો 

પાલિતાણા : ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં નાના પશુઓમાં રોગચાળો વકર્યો હોવાનુ કહેવાય છે. પાલિતાણા તાલુકામાં ર૦૦થી વધુ ઘેટાના મોત થયાની ચર્ચા છે. માંડવડા ગામમાં જ ૧૭૦ જેટલા ઘેટાઓના મોત થયાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. સરકારી તંત્ર પાસે ૧૧ ઘેટાના મોત થયાનો સત્તાવાર આંકડો છે. 

પાલીતાણા તાલુકામાં નાના પશુઓમાં અચાનક વકરેલા રોગચાળાથી માલધારીઓની ચિંતા વધી ગઈ છે. છેલ્લા બે દિવસમાં પાલીતાણા તાલુકામાં ૨૦૦થી વધુ ઘેટાઓના મૃત્યુ થયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. એકલા માંડવડા ગામમાં જ ૧૭૦ ઘેટા મૃત્યુ પામ્યા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે, જેમાં લાખાભાઈ કરશનભાઈ ડાંગરની માલિકીના ૬૦, તેજાભાઈ કરશનભાઇ ડાંગરના ૫૩ તેમજ ભકાભાઈ બોઘાભાઈ સામણકાના ૫૭ ઘેટા મૃત્યુ પામ્યા હોવાનુ જાણવા મળેલ છે. ઘેટઓના મૃત્યુનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અનિડા (લાખાવાડ) ગામે પણ પશુઓમાં રોગચાળો વકરતા ઘેટા મૃત્યુ પામ્યા છે. જો સર્વે થાય તો આ આંકડો અનેકગણો વધે તેમ છે. આ રોગચાળાને ડામવા કેમ્પ મોડમાં રસિકરણ, દવા, પશુ ડોક્ટરની કાર્યવાહી સત્વરે થાય તેવી માંગણી માલધારી સમાજના આગેવાન ભગવાનભાઈ મેર દ્વારા કરવામાં આવી છે. 

જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પાલિતાણા તાલુકામાં ૧૧ ઘેટાના મોત થયાનો સત્તાવાર આંકડો મળ્યો છે,  વાયરલ ઈન્ફેકશનના કારણે ઘેટાના મોત થયા હોવાની શંકા છે પરંતુ હજુ સત્તાવાર કારણ જાણવા મળેલ નથી. ઘેટાઓના મોત નિપજતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.

Gujarat
News
News
News
Magazines