રોકાણકારોના લાખોનું ફૂલેકું ફેરવી શેર બ્રોકર દંપતી પલાયન
- રાજકોટના ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- શેર લેવા માટે રોકાણકારોએ આપેલા નાણાં પોતાના ખાતામાં જમા કરાવી લીધા, હાલ 11 રોકાણકારો સાથે રૂા.41.60 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ
રાજકોટ: શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર શિવપાર્ક શેરી નં.૩માં સમન્વય શુભ એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજારના સબબ્રોકર તરીકે કામ કરતા મનીષ મથુરદાસ બરડીયા અને તેની પત્ની સુલભાબેને હાલ ૧૧ રોકાણકારોના રૂા. ૪૧.૬૦ લાખ ઓળવી ભાગી ગયાની ગાંધીગ્રામ-ર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું કે આરોપી દંપતી ઘણા સમયથી ગાયબ છે. કૌભાંડનો આંકડો હજુ ઘણો વધી શકે તેમ છે.
કેવડાવાડીના પલંગ ચોકમાં શ્રીરામ પ્લાઝામાં રહેતા અને નિવૃત જીવન વ્યતીત કરતા વિરેન્દ્રભાઈ ત્રંબકલાલ જોષી (ઉ.વ.૭૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૧ વર્ષ પહેલા મનપામાં સ્વીમીંગ કોચ તરીકે નોકરી કરતા હતા. તે વખતે મિત્ર રાજુભાઈ ચારણીયા મારફત જૈનમ શેર કન્સ્લટન્સીના મનીષ અને તેની પત્ની સાથે સંપર્કમાં આવ્યા હતા. બંને ઘરમાં જ ઓફિસ રાખી કામ કરતા હતા. શેર બજારમાં સારો નફો મળશે તેવી વાત કરતા બંનેને એસબીઆઈના શેર લેવા માટે ગઈ તા.ર૧-૪-ર૦રરના રોજ રૂા.૭૦ હજારનો ચેક આપ્યો હતો. રૂા.૧પ હજારનો બીજો ચેક થોડા દિવસો પછી આપ્યો હતો.
તે વખતે બંનેએ કહ્યું કે ચાર દિવસ પછી તમારા ખાતામાં એસબીઆઈના શેર આવી જશે પરંતુ શેર આવ્યા ન હતા. પાસબુકમાં એન્ટ્રી કરાવતા જાણ થઈ હતી કે મનીષે તેમના ડીમેટ એકાઉન્ટમાં શેર લેવાના બદલે પોતાના ખાતામાં રૂા.૯પ હજાર જમા કર્યા છે. જે રકમ માંગતા ધીરે-ધીરે પરત કરી આપવાનું વચન આપ્યું હતું.
ત્યારબાદ અવાર નવાર પૈસાની ઉઘરાણી કરતા સુલભાબેન કહેતા હતાં કે તેનો પતિ ઘણા સમયથી ઘરેથી જતો રહ્યો છે. હવે તેની સાથે કોઈ સંપર્ક નથી, ફેસબુકમાં મેસેજ કરે છે કે હું હૈયાત છું.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વંદનાબેન પરેશભાઈ સામનાણી (રહે. જેએમસી નગર મેઈન રોડ, રૈયા ચોકડી) સાથે પણ બરડીયા દંપતીએ તેમની જેમ રૂા.ર૬.૭૧ લાખની, નીલેષભાઈ મનસુખલાલ રાણપરા (રહે. જલારામ-૩ યુનિ. રોડ) સાથે રૂા.પ લાખની, હિતેન્દ્રભાઈ દિલીપભાઈ દવે સાથે રૂા.૩૮,૩૧પની, હેમાલીબેન હિતેનભાઈ દવે સાથે રૂા.૧.રપ લાખની, ડો.ચિરાગ રમણીકભાઈ ગોકાણી સાથે રૂા.૧,૪૬,૮ર૪ની, જીતેન્દ્રભાઈ એ. વસાણી સાથે રૂા.ર,પ૩,૮૯૦ની, મીત વસાણી સાથે રૂા.૧,૮૪,૮ર૯ની, શિતલબેન વસાણી સાથે રૂા.પ૦ હજારની, ઝહીર રહેમતુલ્લા ચારણીયા સાથે રૂા.૬૭,૭૬૭ની અને નાઝમીબેન ઝહીરભાઈ ચારણીયા સાથે રૂા.૬૭,૭૭૬ની છેતરપીંડી કરી છે.
જેથી ડીસીપીને અરજી આપી હતી. જેના આધારે ગાંધીગ્રામ-ર પોલીસે આરોપી બરડીયા દંપતી સામે કુલ રૂા.૪ર.૦૧ લાખની છેતરપીંડી અંગે ગુનો દાખલ કર્યો છે.