ભાવનગર: ઈ-સ્ટેમ્પીંગ ફરજિયાત બનતા સ્ટેમ્પ વેન્ડરોની હાલત કફોડી
ભાવનગર, તા. 18 સપ્ટેમ્બર 2019, બુધવાર
સરકાર પહેલી ઓકટોબરથી ફરજીયાત ઈ-સ્ટેમ્પીંગ પધ્ધતિનો નિર્ણય કરવા જઈ રહી છે તેથી સ્ટેમ્પ વેન્ડરોની હાલત કફોડી થાય તેમ છે. ઈ-સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ વેન્ડરોને આર્થીક નુકશાન થશે અને સમયનો વ્યય થશે. સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થશે અને ઘર ખર્ચ કાઢવો મૂશ્કેલ બનશે તેમ આજે બુધવારે ભાવનગર સ્ટેમ્પ વેન્ડર એસોસીએશને ઈ-સ્ટેમ્પીંગનો વિરોધ કરતા જણાવેલ છે. ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 1 ઓકટોબર 2019થી ફીઝીકલ સ્ટેમ્પ પેપરનુ વેચાણ બંધ કરી ઈ-સ્ટેમ્પીંગ પધ્ધતિ ફરજીયાત સરકાર દ્વારા કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે.
ઈ-સ્ટેમ્પીંગ પધ્ધતિથી સ્ટેમ્પ વેન્ડરો મૂશ્કેલીમાં મુકાશે અને ફીઝીકલ સ્ટેમ્પ પેપરથી સીસ્ટમ સરળ હોવાનુ સ્ટેમ્પ વેન્ડરોએ જણાવેલ છે. ફીઝીકલ સ્ટેમ્પ પેપરથી કામગીરીથી સમયની બચત થાય છે, જયારે ઈ-સ્ટેમ્પીંગ પધ્ધતિ સમયનો વ્યય થશે અને સ્ટેમ્પ વેન્ડરોનુ કમીશન ઘટી જશે તેથી આર્થીક નુકશાન થશે. ફીઝીકલ પધ્ધતિ સહેલી છે અને હાલ ઘણા સ્ટેમ્પનો જથ્થો હોવાથી જુની પધ્ધતિ અમલમાં રાખવા ભાવનગર સ્ટેમ્પ વેન્ડર એસોસીએશને જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે અને ઈ સ્ટેમ્પીંગ પધ્ધતિ બંધ રાખવા જણાવેલ છે.
ઈ સ્ટેમ્પીંગ પધ્ધતિથી સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતી છે અને પરિવારનો ખર્ચ કાઢવો મૂશ્કેલ બનશે તેમ સ્ટેમ્પ વેન્ડરોએ જણાવેલ છે. ઈ સ્ટેમ્પીંગ પધ્ધતિથી સ્ટેમ્પ વેન્ડરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્ટેમ્પ વેન્ડરોનુ કમિશન હાલ 1 થી 3 ટકા છે જે ઘટીને ૧પ પૈસા થઈ જશે. જુની પધ્ધતિમાં દર વર્ષે સરકારમાં રેકર્ડ જમા કરાવવામાં આવે છે, નવી પધ્ધતિમાં પાંચ વર્ષ સુધી રજીસ્ટર નિભાવવા પડશે.
2 મીનીટમાં મળતો સ્ટેમ્પ પેપર 20 મીનીટ મળશે
હાલ ફીઝીકલ સ્ટેમ્પ પેપર વેચાણ કરવાનો સમયગાળો અંદાજે 1 થી 2 મીનીટનો છે, જયારે ઈ-સ્ટેમ્પીંગમાં 15 થી 20 મીનીટનો સમય લાગશે તેથી લોકોનો સમય બગડશે તેમ સ્ટેમ્પ વેન્ડરોએ જણાવેલ છે. લોકોનો સમય બગડશે અને આર્થીક ખર્ચ વધશે.
વેન્ડરો પાસે સ્ટેમ્પનો મોટો જથ્થો
સ્ટેમ્પ વેન્ડરો પાસે નાના દરના તથા મોટા દરના એમ મોટા જથ્થામાં સ્ટેમ્પનો સ્ટોક પડેલ છે. આ ઉપરાંત હાલમાં સરકાર પાસે ગુજરાત રાજ્યમાં લખાયેલ છે તેવા સ્ટેમ્પનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે તેથી સરકારને નુકશાન જાય તેમ છે. સ્ટેમ્પ વેન્ડરોને જુનો જથ્થો ખાલી કરવા માટે સમય આપવો જોઈએ તેમ સ્ટેમ્પ વેન્ડરોએ જણાવેલ છે.