ભાવનગર: સ્ટેમ્પ ડયુટીનું ઓનલાઈન ઈ-પેમેન્ટની કામગીરી થશે
ભાવનગર, તા. 08 ઓક્ટોબર 2019, મંગળવાર
રાજ્યમાં સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 હેઠળ ભરવાની થતી સ્ટેમ્પ ડયુટી ની રકમ સ્ટેમ્પ પેપર, ફ્રેન્કીંગ મશીનથી અથવા ઈ-સ્ટેમ્પિંગથી ભરપાઈ કરવા ઉપરાંત ઓનલાઇન ઈ-પેમેન્ટથી ઘર બેઠા પોતાની જાતે અનુકૂળ સમયે કરી શકાય છે.
ઓનલાઇન ઇ-પેમેન્ટ થી સ્ટેમ્પ ડયુટી ભરવા માટે આ મુજબની કાર્યવાહી કરવાની રહે છે, પક્ષકારે ગરવી ગુજરાત ગર્વમેન્ટની સાઈટ પર પબ્લીક ડાટા એન્ટ્રી લીંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ ઈન આઈ.ડી.બનાવવાનું રહે છે. ઉક્ત લોગ ઈન આઈ.ડી.ની મદદથી લોગીન થઈને પક્ષકારે વેચાણ થતી મિલકતને લગતી જરૂરી વિગતો ભર્યેથી ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી સ્ટેમ્પ ડયુટી ઈન્ટરનેટના માધ્યમથી ઘર બેઠા પોતાની જાતે અનુકૂળ સમયે ચૂકવી શકાય છે. ઈ-પેમેન્ટથી સ્ટેમ્પ ડયુટી ભર્યા અંગેના ચલણની પ્રિન્ટ કાઢીને પક્ષકારે દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે.
આ વિગતો ઓનલાઇન ઈ-પેમેન્ટથી સ્ટેમ્પ ડયુટી ભરી આ પ્રકારના દસ્તાવેજો કરી શકાય છે જેમ કે, કોઈપણ સ્થાવર મિલકતના વેચાણ દસ્તાવેજ, કોઈપણ બેંક,નાણાકીય સંસ્થામાંથી લોન લેવા માટે કરવામાં આવતા ગીરોખત, ટાઈટલ ડિડ્સ વગેરે દસ્તાવેજ, મિલકત અદલા-બદલાના દસ્તાવેજ, મિલકત બક્ષીસના દસ્તાવેજ, ભાગીદારીના દસ્તાવેજ કરી શકાય છે. પક્ષકાર ઇન્ટરનેટ બેન્કિંગ, માસ્ટર/વિઝા/મેસ્ટ્રો/રૂપે ડેબિટકાર્ડ, વિઝા/માસ્ટર કેડીટકાર્ડ અને આઈ.એમ.પી.એસ.ના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટ થી સ્ટેમ્પ ડયુટી પોતાના અનુકૂળ સમયે ગમે ત્યારે ભરી શકે છે.