Get The App

ભાવનગર: એસ.ટી.એ રાજકોટ રૂટની એ.સી. બસ માટે સિટીમાં પીકઅપ પોઈન્ટ શરૂ કર્યો

Updated: Oct 24th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: એસ.ટી.એ રાજકોટ રૂટની એ.સી. બસ માટે સિટીમાં પીકઅપ પોઈન્ટ શરૂ કર્યો 1 - image
ભાવનગર, તા. 24 ઓક્ટોબર 2019, ગુરૂવાર

ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વર્ષો જૂના પીકઅપ પોઈન્ટને વળગી રહેવાના બદલે ખાનગી ટ્રાવેલ્સો સાથે હરિફાઈમાં ટકી રહેવા અને મુસાફરોને સવલત મળી રહે તે માટે અમદાવાદ બાદ રાજકોટની પ્રિમિયમ બસ સેવા માટે પણ ૭ નવા પીકઅપ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

એસ.ટી.ના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ દશેરાના દિવસે ભાવનગરથી અમદાવાદ વચ્ચે ચાલતી એસ.ટી.ની પ્રિમિયમ બસ સેવામાં શહેરના અગત્યના સ્થળોએ પીકઅપ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ પીકઅપ પોઈન્ટને કારણે મુસાફરોને સગવડતાની સાથે એસ.ટી.ને આવકમાં વધારો થતાં અમદાવાદની સાથે હવે રાજકોટ રૂટની એ.સી. બસ માટે પણ મુસાફરોને લેવા-ઉતારવા ક્રેસંટ સર્કલ, મહિલા કોલેજ સર્કલ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સંસ્કાર મંડળ, કાળિયાબીડ પાણીની ટાંકી અને જ્વેલ્સ સર્કલ બસ સહિતના ૭ નવા પીકઅપ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્થળોએ કેટલાક વાગ્યે બસ પહોંચશે તેની જાણકારી પણ લોકોને મળી રહે તે માટે ટૂંક સમયમાં સમયપત્રક મુકવામાં આવશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.

પીકઅપ પોઈન્ટ પરથી થશે ટિકિટ બુકીંગ

જીએસઆરટીસી દ્વારા મુસાફરોને સરળતાથી ટિકિટ મળી રહે તેમજ ટિકિટ લેવા એસ.ટી. ડેપોના ધક્કા ન ખાવા પડે તે માટે આગામી ટૂંક સમયમાં કંડક્ટર મિત્ર યોજના શરૂ કરવામાં આવશે. જેમાં એસ.ટી.ના રિટાયર્ડ કર્મચારી, તેમના પરિવારજનો કે અન્ય કોઈ વ્યક્તિ કંડક્ટર મિત્ર બની જે-તે પીકઅપ પોઈન્ટ આસપાસ ટિકિટ બુકીંગ કરી શકશે. આ માટે તેમને એસ.ટી. દ્વારા ૩.૫ ટકા કમિશન અપાશે. જ્યારે મુસાફરોને પણ પીકઅપ પોઈન્ટ પરથી જ ટિકિટ બુકીંગની સુવિધા મળી રહેશે તેમ એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
Tags :