ધો. 9 થી 12 સુધી ભણવા તેજસ્વિ વિદ્યાર્થીને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના લાગુ
- આરટીઇમાં ધો. 8 સુધી અભ્યાસ બાદ
- ધો. 9-10 માટે 20 હજાર અને 11-12 માટે 25 હજાર વાર્ષિક સ્કોલરશીપ અપાશે, નિયત શાળામાં પ્રવેશની જવાબદારી વાલીની રહેશે
ધોરણ ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જુથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાાન સાધના સ્કોલરશીપ પરીક્ષા નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે થયેલ ઠરાવ મુજબ નવી યોજના અમલ થવા જઇ રહી છે.
જ્ઞાાન સાધના સ્કોલરશીપ યોજનામાં દર વર્ષે નવા ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂા.૨૦૦૦૦, ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂા.૨૫૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે. ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વિદ્યાર્થી-વાલીની રહેશે. સ્કોલરશીપ મેળવવા સળંગ ધોરણ-૮માં અભ્યાસ કરતા અથવા ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લઇ શકશે. અને બાદમાં મેરીટ લીસ્ટ જાહેર થશે. સ્કોલરશીપના હપ્તા ચુકવતી વેળા હાજરી પણ ધ્યાને લેવાશે. આમ આરટીઇમાં સંપૂર્ણ કાર્યવાહી શિક્ષણ વિભાગ કરે છે. તો આ સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થી વાલીએ પણ કસરત કરવી પડશે.