એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ
- પરીક્ષાર્થીઓને 'બેસ્ટ ઓફ લક'
- ધો. 10 માં પ્રથમ ભાષા, 12 સા.પ્ર.માં સહકાર અને નામુ તો ધો.12 વિ.પ્ર.માં ભૌતિક વિજ્ઞાનનું પેપર પુછાશે
ભાવનગર જિલ્લામાં ધો.૧૦માં કુલ ૩૯૭૨૭ વિદ્યાર્થી ૧૩૨ કેન્દ્રમાં પરીક્ષા આપનાર છે. તો ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૪૦૯૯ વિદ્યાર્થી ૮૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાના છે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૬૫૯ વિદ્યાર્થીઓ માટે ૨૫ કેન્દ્ર પર વ્યવસ્થા ગોઠવાઇ છે. જ્યારે વિશેષ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને અનુકુળ બેઠક વ્યવસ્થા ગોઠવી આપવા શાળાઓને સુચના અપાઇ છે. તો સાથોસાથ કાયદો વ્યવસ્થા જાળવવા અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેવા આશય સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચોક્કસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સાથે કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. તો ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રીજ્યામાં ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ પરીક્ષા શાંતિમય રીતે લેવાય તે હેતુ સાથે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જ્યારે વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૪૫ અધિકારીઓ અલગ અલગ રૂટ પર પરીક્ષા કેન્દ્રોની તપાસ કરશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે. જ્યારે બે ફ્લાઇંગ સ્કવોર્ડની પણ પરીક્ષા દરમિયાન દેખરેખ રહેશે, તેમ જણાવ્યું છે.
પ્રથમ દિવસે ધો.૧૦માં પ્રથમ ભાષાનું પેપર રહેશે. જ્યારે ધો.૧૨માં ૧૦.૩૦ થી ૧.૪૫ દરમિયાન સહકાર પંચાયત તથા બપોરે ૩ થી ૬.૧૫ દરમિયાન નામાના મુળ તત્વો વિષયની પરીક્ષા લેવાશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ થી ૬.૩૦ દરમિયાન ભૌતિક વિજ્ઞાાનની પરીક્ષા લેવામાં આવશે.
કન્દ્રોલ રૂમનો ફોન સતત વ્યસ્ત રહે છે
એક તરફ પરીક્ષાના સુચારૂ આયોજન માટે ડીઇઓ કચેરીનો કન્ટ્રોલરૂમ શરૂ કરાયો છે. પરંતુ પ્રથમ ગ્રાક્ષે મક્ષીકા જેવો ઘાટ ઘડાયો હતો અને બપોરથી સાંજ સુધી આ કન્ટ્રોલરૂમનો ફોન સતત વ્યસ્ત આવેલ હતો. જ્યારે આ ફોન સતત શરૂ રહે અને જરૂરીયાત સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ સર કરવો જરૂરી બન્યો છે.
ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે
બોર્ડની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા કલેક્ટર સવારે બી.એમ. કોમર્સ હાઇસ્કુલ અને બપોરે એમ.કે. જમોડ હાઇસ્કુલ જશે. તો ડીડીઓ સવારે ગુરૂકુળ હાઇસ્કુલ બપોરે સ્વામીનારાયણ ગુરૂકુળ ચિત્રા જશે. તો જિલ્લા પોલીસ અધિકારી સવારે મહાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કુલ બપોરે મુક્તા લક્ષ્મી વિદ્યાલય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જશે.