સોમનાથમાં સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી યાત્રિ વોક-વેનું ભૂમિપૂજન
- સૌના સહયોગથી મંદિરના તમામ કળશ સુવર્ણ મંડિત બનશેઃ અમિત શાહ
- રૂા. ૪૫ કરોડનાં ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઇ અને ૭ મીટર પહોળાઇનો બનશે યાત્રિપથઃ ૨૦૦ મીટરનાં અંતરે બેઠક વ્યવસ્થા

સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત રૂા. ૪૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૫૦૦ મીટર લંબાઇના અને ૭ મીટર પહોળા યાત્રિપથનું ભૂમિપુજન આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સોમનાથ મંદિરને ૧૭ વખત ખંડિત કરાયું હતું. પરંતુ દરેક વખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ - સન્માન - સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જયોતિર્લિંગ સોમનાથની પુનઃસ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ છે.
તેમણે વધુમાં કહ્યું કે, પુરાણોમાં કહેવાયું છે કે, સોમનાથ મંદિર સુવર્ણથી મઢેલું હતું. સૌના સહયોગથી મંદિરની પુનઃસ્થાપના સાથે મંદિરના તમામ કળશ સુવર્ણ મંંડિત બનશે.
સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ સ્વાગત કરતા કહ્યું કે, આઇકોનીક સ્થળમાં ગુજરાતમાંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેકટોની પણ વિગતો આપી હતી.
આ યાત્રિ વોક-વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, શ્રી સોમનાથ મંદિરના દર્શન, શ્રી રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકીક અનુભુતિ થશે. આ પથ પર ૨૦૦ મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૦ કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.