Get The App

'સોમા' સિંગતેલની માંગ વધારવા ઉત્સુક પણ ભાવ ઘટાડવામાં ઉદાસીન

- રાજ્યમાં વર્ષે 15 લાખ ટન તેલનો વપરાશ,તેમાં સિંગતેલ માત્ર 8 %

- આ વર્ષે પણ મગફળીના વિપુલ પાક થશે પણ લોકોને સિંગતેલ સસ્તુ મળવા વિષે શંકા

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
'સોમા' સિંગતેલની માંગ વધારવા  ઉત્સુક પણ ભાવ ઘટાડવામાં ઉદાસીન 1 - image


રાજકોટ, તા. 17 જુલાઈ, 2020, શુક્રવાર

મગફળીનો આ વર્ષે પણ વિપુલ વાવેતર અને મબલખ મેઘકૃપાના પગલે મગફળીનો પાક પૂષ્કળ પાકે તેવી પૂરી શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશને મુખ્યમંત્રીને રજૂઆત કરીને રાજ્યમાં સિંગદાણા અને સિંગતેલનો વપરાશ વધારવા તથા મગફળી કાચા માલ તરીકે વપરાય તેવા પીનટ બટર, શક્તિવર્ધક-વિટામીનયુક્તગણાતા પાવડર વગેરેનું સૌરાષ્ટ્રમાં ઉત્પાદન વધારવા રજૂઆત કરી છે. સોમાએ સિંગતેલની  માંગ વધે તેમાં ઉત્સુકતા દાખવતી રહી છે અને દાખવી છે પરંતુ, બીજી તરફ અગાઉ રૂ।.૧૬૦૦-૧૭૦૦માં મળતો સિંગતેલનો ડબ્બો હવે રૂ।.૨૨૦૦-૨૩૦૦એ પહોંચાડી દેવાયો છે તે મુદ્દે સોમા કે સરકારની ઉદાસીનતા રહી છે મોટી કંપનીઓ ,ઓનલાઈન અબજોનો વેપાર કરતી કંપનીઓ કે ચીન જેવા દેશો પણ ભાવની હરીફાઈ કરીને બજાર સર કરતા રહ્યા છે.  વળી, હાલ કોરોના કાળમાં લોકોની ખરીદશક્તિ ઘટી છે ત્યારે ન્યુનત્તમ ભાવે વસ્તુ ખરીદવાનું વલણ સ્વાભાવિક છે. 

આ સ્થિતિમાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે ડીઝલથી માંડીને ખાતર,બિયારણ વગેરેની પડતર નીચી જાય તેવા પ્રયાસો સરકારે કરવાની અને ઓઈલમિલોએ નફાનો ગાળો ઘટાડીને એકંદરે કૂલ પ્રયાસોથી લોકોને સસ્તુ સિંગતેલ મળે તે તેની માંગ વધારવા માટે જરૂરી છે.  પરંતુ, આ મુદ્દે નથી તો સરકાર કોઈ પગલા લેતી કે નથી સોમા કોઈ રસ દાખવતું.  

ગતવર્ષે ખુદ સોમાએ જાહેર કર્યા પ્રમાણે મગફળીનું ઉત્પાદન આશરે ૩૧ લાખ ટન અર્થાત્ અગાઉના વર્ષ કરતા બમણુ થયું હતું છતાં તેલના ડબ્બાના ભાવ ઘટવા તો દૂર રહ્યા ઉલ્ટુ ખાસ્સા વધી ગયા હતા કે વધારી દેવાયા હતા. લોકોને પૂરવઠો વધે છતાં કિંમત કેમ વધે તે ગણિત સમજાતું નથી. જો એક વર્ષમાં સિંગતેલની માંગ બમણી થઈ ગઈ હોય તો માંગ વધે તેવા પગલાની હવે જરૂર જ શુ છે તે સવાલ છે. 

સોમાએ જણાવ્યું કે દેશમાં આશરે ૨૬૦ લાખ ટન ખાદ્યતેલ દર વર્ષે ખવાય છે અને તેમાં સિંગતેલનું પ્રમાણ માંડ ૩ ટકા છે. તો ગુજરાતમાં વર્ષે ૧૫ લાખ ટન ખાદ્યતેલનો વપરાશ છે તેમાં સિંગતેલ માત્ર  ૮ ટકા છે. એ હકીકત છે કે લોકો હવે ઓછા ફેટવાળુ માનીને અને સસ્તુ મળતુ હોવાથી અન્ય તેલ વાપરતા થયા છે.

એક સમયે કપાસિયા તેલનો જુજ વપરાશ હતો પણ હવે ફરસાણ વગેરેમાં તે વપરાય છે પણ તેનું કારણ તેના કન્ટેન્ટમાં જ નથી, બલ્કે મોટો ભાવ ફરક પણ છે. આ વાત સોમા અને સરકારે સ્વીકારીને સિંગતેલના ભાવ ઘટાડીને માંગવધારવાની એટલે કે ઓછા નફે જાજા વેપારનું સૂત્ર અમલી થાય અને સાથે ખેડૂતોની પડતર નીચી જતા તેમને પોષણક્ષમ ભાવ મળે તેવા પ્રયાસોની જરૂર છે. 

Tags :