માતાના પડખામાં સુતેલા પુત્રને દબોચી સિહણે કર્યો શિકાર
- ભેરાઈ ગામના ખેત મજુર પરીવાર પર આભ ફાટયુ...
મઘરાત્રે સિહણ તેના બે બચ્ચા સાથે આવી ચડી: રામપરા
ખારા વિસ્તારમાંથી બાળકના મૃતદેહ મળ્યો: ભારે અરેરાટી
વન વિભાગના અઘિકારીઓ, પોર્ટ મરીન પોલીસ દોડી ગઈ
ભાવનગરન, 4 ફેબ્રુઆરી 2020 મંગળવાર
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વાડી વિસ્તારમા રહી ખેત મજુરી કામ કરતો પરીવાર ગત રાત્રીના નિદ્રાધિન હતો તે વેળાએ બે બચ્ચા સાથે આવિ ચડેલ સિહણ માતાના પડખામા સુતેલા માસુમ પુત્રને ઊઠાવી લઈ ભાગતા પરીવારે તેનો પીછો કરતા રામપરા ગામના ખારા વિસ્તારમા બાળકને અર્ધખાધેલી હાલતે તરછોડી સિંહણ તેના બચ્ચા સાથે ફરાર બની હતી. લાડકવાયા પુત્રના મૃત્યુના પગલે ખેતમજુર પરીવાર પર રીતસર આભ ફાટયું હતું. અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ, પોર્ટ મરીન, પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના અને રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વાડીમાં ભાગ્યું રાખી રહેતા સાર્દુળભાઈ પરમાર ગત રાત્રિના સુમારે તેમના પત્નિ અને પાંચ વર્ષના પુત્ર કિશોર સાથે વાડીમાં નિંદ્રાધીન હતા તે વેળાએ મોડી રાત્રિના ૧ કલાકના અરસા દરમિયાન સિંહણ તેના બે બચ્ચા સાથે આવી ચડી હતી અને માતાના પડખામાં સુતેલ પાંચ વર્ષના માસુમ પુત્ર કિશોરને દબોચી લેતા પરિવાર જાગી ગયો હતો બનાવની જાણ થતા સ્થાનીક વાડી વિસ્તારના લોકો અને પરિવારજનોએ સિંહણનો પીછો કર્યો હતો પરંતુ તેના કોઈ સગડ મળ્યા ન હતા. પુત્રની શોધખોળના અંતે વહેલીસવારે રામપરા ગામના ખારા વિસ્તારમાંથી અર્ધખાધેલી હાલતે બાળકનો મૃતદેહ મળી આવતા ભારે કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.
ઉક્ત ઘટનાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોર્ટ મરીન પો.સ્ટે.ના પી.આઈ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બનાવન અનુસંધાને મૃતબાળાના પિતાએ જાણ કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકના ગામડાઓમાં છાશવારે સિંહ તેના પરિવાર સાથે આવી ચડે છે અને આંટા મારતો જોવા મળે છે. માલધારી પરિવારના માલઢોરનું છાશવારે સિંહ પરિવાર મારણ કરી રહ્યું છે. ત્યારે ગત રાત્રિના માતાના પડખામાંથી બાળકને ઉપાડી જઈ સિંહણે શિકાર કરતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.