રૂ 200 લાખના ખર્ચે બનશે સિકસ લેન રોડ
- શીતળા માતાના મંદિરથી અકવાડા ગુરુકુળ સુધી રોડ બનશે
- સિકસ લેન રોડનુ ખાતમુહૂર્ત કરાયુ, રોડની કામગીરી ઝડપી કરવી જરૂરી
ભાવનગર, તા. 30 નવેમ્બર 2019 શનિવાર
સ્વણમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૨૦૦ લાખના ખર્ચે શીતળા માતાના મંદિરથી અકવાડા ગુરુકુળ સુધીના સિક્સ લેન રોડનું આજે શનિવારે ખાતમુહૂર્ત રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યંે હતું.નિર્માણ પામી રહેલ આ સિક્સ લેન રોડ ૨૫ મીટર પહોળો હશે, જેમાં પાઇપ કલવર્ટ તેમજ બોક્ષ કલવર્ટ બનશે, સાથે સાથે તેમા સેન્ટ્રલ સ્ટ્રીટલાઇટ, ગાર્ડનીંગ સાથે સેન્ટ્રલ ડિવાઇડરની પણ સુવિધા ઉભી કરવામા આવનાર છે.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં પણ ફોર ટ્રેક રોડ, ઘરે-ઘરે શેત્રુંજીનું પાણી, ઓવરહેડ ટાંકીઓ, કોમ્યુનિટી હોલ, આંગણવાડીઓ, તેમજ સરકારી
શાળાઓ વગેરે જેવી પાયાની સુવિધાઓ ઉભી કરી સરકાર ભાવનગરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા સતત પ્રયત્નશીલ રહી છે. નવનિર્માણ પામી રહેલ રોડને વૃક્ષોથી થી સજ્જ કરવા સૂચન કર્યું હતું તેમજ તે માટે ઉપયોગમાં લેવા માટેના તમામ ટ્રી ગાર્ડસનો ખર્ચ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇન ની સુવિધા અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી તેમજ ૧૮૧ અભયમ એપ્લિકેશન તમામ મહિલાઓને પોતાના ફોનમાં ડાઉનલોડ કરવા જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, મનપાના કમિશનર સહિતના પદાધિકારી-અધિકારી હાજર રહ્યા હતાં. મહાપાલિકામાં મોટાભાગના કામ સમયસર થતા નથી ત્યારે રોડની કામગીરી ઝડપી થાય તેવુ સ્થાનીક લોકો ઈચ્છી રહ્યા છે.