રાજકોટ જિ.પં.નાં કારોબારી ચેરમેનને હટાવવા શો - કોઝ નોટીસ
- જિલ્લા ભાજપમાં જૂથવાદ બાદ નવો વિવાદ જાગ્યો
- નૈતિક અધઃ પતનના આરોપ સબબ નોટિસ મળતા ચેરમેને કહ્યું રાજકારણમાં આવુ ચાલતુ રહે
લેખિત જવાબ મોકલી આપીશ
કોરોનાની આફત સામે લોકો ઝઝુમી રહયા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકારણ ગરમાયુ છે. ભાજપનાં આગેવાનો વચ્ચેનાં જૂથવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેને જિલ્લા પ્રમુખ અને સરકાર સામે કોરોનાનાં મોતનાં આંકડાને લઈને આક્ષેપો કર્યા બાદ કારોબારી ચેરમેનને વિકાસ કમિશનરે હોદા પરથી શા માટે દૂર ન કરવા તે અંગેની કારણ દર્શક નોટીસ ફટકારતા એક નવો વિવાદ જાગ્યો છે.
જેતપુર તાલુકાની પેઢલા સીટ પરથી કોંગ્રસનાં સિમ્બોલ પર જીત્યા બાદ ભાજપમાં સામેલ થયેલા કે.પી.પાદરીયા તા. ૩૦ ડિસેમ્બર ર૦૧૯ થી કારોબારી ચેરમેનપદે કાર્યરત છે. દરમિયાન રાજયનાં વિકાસ કમિશનરે પંચાયત અધિનિયમ ૧૯૯૩ કલમ ૮૭ - ૧ હેઠળ કેટલાક પુરાવાઓનાં આધારે નૈતિક અધઃપતનનાં ગુના સબબ કારોબારી ચેરમેનનાં હોદા પરથી દૂર કેમ ન કરવા તે અંગેની નોટીસ આપી તા. ૩૦ જુલાઈ ર૦ સુધીમાં આ અંગેનો લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. કારોબારી ચેરમેન સામે લાંચનો એક ગુનો નોંધાયેલો છે.
કે.પી. પાદરીયા કારોબારી ચેરમેનપદે છેલ્લા સાતેક મહિનાથી કાર્યરત હોવા છતાં એકાએક ગઈકાલે તેમને શો - કોઝ નોટીસ મળતા આ મૂદો જિલ્લા પંચાયતનાં વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન કારોબારી ચેરમેને શો - કોઝ નોટીસનાં જવાબમાં એવુ જણાંવ્યુ હતું કે હાલ કેટલાક ધારાસભ્યો - સાંસદો અને મંત્રીઓ સામે ગુના નોંધાયેલા છે પરંતુ તે સાબીત થયા ન હોય તેઓને હોદાઓ પરથી હટાવાયા નથી. મારી સામે પણ ગુનો સાબીત ન થાય ત્યાં સુધી હોદા પરથી દૂર કરી શકાય નહી. રાજકારણમાં તો આવુ ચાલતુ જ રહે છે કાવા દાવા થતા જ રહે છે. હું આ મામલે લડત આપવા તૈયાર છુ. વિકાસ કમિશનરને પણ સમયમર્યાદામાં લેખીત જવાબ મોકલી આપીશ.