ખગ્રાસ ચંદ્રગ્રહણને લઈ શરદ પૂર્ણિમાની ઉજવણીમાં ઝાંખપ
- ધર્મસ્થાનકોમાં દર્શન અને સાયં આરતી બંધ રહ્યા
- અવસરની ઉજવણીના રંગમાં ભંગ પડયો, વિવિધ પર્યટન સ્થળોએ જોવા મળી સાવ પાંખી હાજરી
આદ્ય શકિતની આરાધનાના સૌથી લાંબા મહાપર્વ નવલા નવરાત્રિ મહોત્સવનો થાક હજી તો ખેલૈયાઓએ માંડ ઉતાર્યો હતો. ત્યાં શરદપૂર્ણિમા આવી પહોંચતા કોલેજીયનો સહિત યુવા ખેલૈયાઓ ઉત્સાહિત થયા હતા. પરંતુ આ વર્ષે યોગાનુયોગ શરદપુનમે ખગ્રાસ ચંદ્રગ્રહણને લીધે આ ઉત્સવની ઉજવણીમાં ઝાંખપ આવી હતી.તેના લીધે શરદપૂનમના ભાવનગર શહેર અને જિલ્લાના પ્રાચીન અને અર્વાચીન માઈમંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દર્શનના સમયમાં આંશિક ફેરફાર કરાયો હતો. મોટા ભાગના ધર્મસ્થાનકો શનિવારે બપોરથી જ સંપુર્ણપણે બંધ રહ્યા હતા. એટલુ જ નહિ તમામ સેવાક્રમો ભીતરમાં કરાયા હતા અને સાંજની આરતી બંધ રહી હતી. જયારે મોટા ભાગના જ્ઞાાતિ, સમાજ દ્વારા જ્ઞાાતિની વાડી, પાર્ટીપ્લોટ, બોર્ડિંગમાં તેમજ માતાજીના મંદિરોમાં એક બે દિવસ અગાઉ જ તે નિમીત્તે હોમાત્મક હવન અને રાસોત્સવના આયોજનો કરાયા હતા. ઠાકર દ્વારાઓમાં મુકુટોત્સવ બંધ રહ્યા હતા. જયારે રાત્રિના અરસામાં ગગનમાંથી વરસતી અમૃતધારાનો લ્હાવો લેવા માટે જિલ્લાના દરીયા કિનારાના સ્થળો, ફાર્મહાઉસ, ગૌરીશંકર સરોવર (બોરતળાવ) સહિતના જાણીતા પર્યટન સ્થળોએ જવામાં નવવિવાહિત દંપતિઓ, યુવાનો ચંદ્રગ્રહણને લઈને અવઢવમાં રહ્યા હતા. તેથી ઉપરોકત સ્થળોએ પાંખી હાજરી જોવા મળી હતી.શરદ પૂર્ણિમાએ ઉંધીયુ, દહીંવડા, ગુલાબજાંબુ અને દૂધપૌઆ ખાવાનું અધિક મહત્વ હોવાથી તે નિમીત્તે મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ દ્વારા આ ખાદ્યસામગ્રીઓના વેચાણ માટે ૨૦૦ થી વધુ સ્થળોએ મંડપ અને કાઉન્ટર્સ ખડકાયા હતા. જયા સવારથી મોડી સાંજ સુધી ગ્રાહકોની ભારે ભીડ જણાઈ હતી. લોકો લાખો રૂપીયાનું ઉંધીયુ પુરી, દહીંવડા, ગુલાબજાંબુ ઝાપટી ગયા હતા. જયારે મોટા ભાગના પરિવારજનોએ સવારના અરસામાં જ દૂધપૌઆ બનાવી નાખ્યા હતા અને તેનો સાંજે રસાસ્વાદ માણ્યો હતો. આમ, એકંદરે ચંદ્રગ્રહણને લઈને આ તહેવારની ઉજવણીમાં ઝાંખપ જણાઈ હતી.