ગાંધીજીની મોહન થી મહાત્મા સુધીના સફરની સાક્ષી રહી છે ભાવનગરની શામળદાસ કોલેજ
ભાવનગર, તા. 02 ઓક્ટોબર 2019. બુધવાર
આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે બાપૂનો ભાવનગર સાથેનો સંબંધ ખૂબ જુનો રહ્યો છે. બાપૂની મોહન થી મહાત્મા સુધીની સફરમાં ભાવનગરની શામળદાસ કોલેજ સાક્ષી રહી છે. મહારાજાશ્રી સર તખ્તસિંહજીએ શરૂ કરેલી શામળદાસ કોલેજમાં મોહનદાસ કરમચંદ ગાંધીએ જાન્યુઆરી 1888 થી જુન 1888 સુધી અભ્યાસ કર્યો હતો.

ભાવનગર રાજ્યના દિવાન શામળદાસ પરમાણંદદાસ મહેતાની યાદમાં મહારાજા શ્રી સર તખ્તસિંહજીએ આ કોલેજ શરૂ કરી હતી. આ કોલેજ જાન્યૂઆરી 1885માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં શામળદાસ કોલેજને સ્વતંત્ર બિલ્ડિંગ નહી હોવાથી શહેરની માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલમાં કોલેજનો પ્રારંભ થયો હતો. જે મુંબઈ યૂનિવર્સિટી સંલગ્ન કોલેજ બની હતી, મુંબઈ યૂનિવર્સિટીએ શામળદાસ કોલેજને જાન્યૂઆરી-1885માં માન્યતા આપી હતી.
ગાંધી બાપૂ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે શામળદાસ કોલેજ પીલગાર્ડન પાસે આવેલી હાલની આયુર્વેદિક કોલેજમાં આવેલી હતી. પરંતુ સમય જતા યૂનિવર્સિટી પાસે શામળદાસ કોલેજ બનાવવામાં આવી. આ નવનિર્મિત શામળદાસ કોલેજનો શિલાન્યાસ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યો હતો. આમ, સ્થાપના પછી શામળદાસ કોલેજની ઈમારતો ભલે બદલાતી રહી પરંતુ કોલેજ સાથે બાપૂની યાદો આજે પણ અકબંધ છે.

મુંબઈ રાજ્યના ગવર્નર જેમ્સ ફર્ગ્યૂસને 25 નવેમ્બર 1884ના દિવસે પીલગાર્ડન સામે શામળદાસ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો જે બિલ્ડિંગમાં હાલ આયુર્વેદિક કોલેજ છે. જે શામળદાસ કોલેજનું સ્વતંત્ર ભવન હતુ અને જેમાં મહાત્મા ગાંધીએ જાન્યુઆરી 1888 થી જુન 1888 દરમિયાન અભ્યાસ કર્યો હતો.
મુંબઈ રાજ્યના ગવર્નર લોર્ડ રેએ 17 ડિસેમ્બર 1886ના દિવસે પોતાની બે દિવસી ભાવનગરની મુલાકાત દરમિયાન શામળદાસ કોલેજના નવા ભવન કે જે હાલ આયુર્વેદિક કોલેજ તરીકે ઓળખાય છે તેનું ખુલ્લુ મુક્યુ હતું. આ તકે લોર્ડ રેએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ભારતમાં એક વધારાનું મંદિર ખોલવા માટેની મંજુરી આપતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

જે બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1932માં શહેરના વાઘાવાડી રોડ પર શામળદાસ કોલેજના નવા ભવનની સ્થાપના કરી જ્યાં હાલ સર પી.પી સાયન્સ કોલેજ છે અને હાલ વાઘાવાડી રોડ પર શામદાસ કોલેજ આવેલી છે તેનો શિલાન્યાસ 1 નવેમ્બર 1955ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલા નહેરુએ કર્યો હતો. આમ, શામળદાસ કોલેજની સ્થાપના પછી તેની ઈમારતો ભલે બદલતી રહી પરંતુ બાપુ સાથેની યાદોઆજે પણ અકબંધ છે.