રાજકોટમાં કોરોનાનાં ગંભીર દર્દીને અપાતા ઈન્જેકશનોની ભારે અછત
- કોરોનાના કેસમાં સતત વધારા સાથે દવાઓને લઈને પણ ચિંતા
- ટોસિલીઝુમેબ અને રેમડેસિવીર મેળવવા કોવિડ હોસ્પિટલને લાંબી પ્રક્રિયા છતાં મળવામાં વિલંબ
રાજકોટ, તા. 17 જુલાઈ, 2020, શુક્રવાર
કોરોનાનો કહેર શહેરમાં વધતો જાય છે પરંતુ તેની વેકસીન શોધવામાં હજુ ખાસ સફળતા મળી નથી ત્યારે કેટલાક ઈન્જેકશનો કોરોનાનાં ગંભીર દર્દીને સાજા કરવામાં અકસીર હોવાનો દાવો કરવામાં આવતા આ ઈન્જેકશનોની ડિમાન્ડ રાતોરાત વધી રહી છેે. ટોસિલીઝુમેબ અને રેમડેસિવીર ઈન્જેકશનો હાલ કોરોનાની સારવાર માટે ખુબ ચર્ચામાં છે. સુરતમાં આ દવાનાં કાળાબજાર થઈ રહયા હોવાની ફરિયાદો વચ્ચે રાજકોટમાં પણ કેસ વધતા જતા હોવાથી આ દવાની અછત ઉભી થઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉંચકયુ છે રોજે રોજ કેસ વધી રહયા છે રાજકોટ શહેરમાં જ પ૦૦ થી વધુ કેસ નોંધાઈ ચૂકયા છે. કોરોનાનાં કેસ વધતા લોકોમાં હાઉ ઉભો થયો છે. આ સ્થિતિમાં કોરોનાનો દર્દી ક્રિટીકલ હોય ત્યારે તેની સારવારમાં વપરાતી દવા ટોસિલીઝુમેબ અને રેમડેસિવીર સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે પરંતુ લાખો રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી માટે આ દવા મેળવવા પગે પાણી ઉતરી રહયા છે. આ બંને દવા મેળવવા માટે ખાસ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોઈ મેડિકલ સ્ટોરમાંથી આ દવા ઉપલબ્ધ પણ નથી અને ખરીદ પણ કરી શકાતી નથી તેના માટે પ્રોસીઝર ફોલો કરવી પડે છે. કોવિડની સારવાર માટે જે ખાનગી હોસ્પિટલને સરકારે મંજૂરી આપી હોય તે હોસ્પિટલ જ કોઈ ગંભીર દર્દીને આ દવા આપવા માગતા હોય તો દર્દીનાં રિપોર્ટ - કારણો સાથે સીધી કંપનીને ડિમાન્ડ મોકલવાનીં હોય છે. બાદમાં કંપનીને કારણો વ્યાજબી લાગે તો દવા પોતાની ખાસ ચેનલ મારફત હોસ્પિટલને દવા પહોંચાડે છે. ટોસિલીઝુમેબ નો ઉપયોગ દરેક કોરોના દર્દી માટે ઉપયોગ કરવામાં આવતો નથીે મૂળ તો આ દવા રોગપ્રતિકારક શકિત એકદમ ડાઉન થતી હોય ત્યારે અપાતી હોય છે.
રાજકોટમાં આ દવાનાં ઉપયોગ માટે ત્રણ નિષ્ણાંત ડોકટર્સની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી તમામ કેસ પેપર્સ ચકાસે ત્યાર બાદ જ આ દવા માટે ડિમાન્ડ કરી શકે છે. ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ ની સારવાર સાથે જોડાયેલા તબીબોનાં કહેવા મુજબ ટોસિલીઝુમેબ અને રેમડેસિવીર ઈન્જેકશન માટે બે કંપનીઓનો સંપર્ક કરવામાં આવે છે. રાજકોટની હોસ્પિટલો આ દવાની ડિમાન્ડ આપે પછી તરત જ મળતી નથી વિલંબ થાય છે કેસ વધી રહયા હોવાથી ડિમાન્ડ વધી હોવાથી અછત છે.
આ ઈન્જેકશનોની કિંમત આશરે રૂ. ૩૦ હજારથી ૪૦ હજાર છે. ખાનગીમાં મળવામાં મૂશ્કેલી છે અથવા તો દરેક દર્દીને તે પોષાય તેમ પણ નથી હોતુ પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલનાં એક તબીબનાં જણાંવ્યા મુજબ સિવિલમાં કોઈ ક્રિટીકલ કન્ડીશનમાં આ ં ઈન્જેકશનો આપવાની નોબત આવે તો પૂરતા ઉપલબ્ધ છે. સરકાર જરૂર મુજબની દવાનો જથ્થો પુરતો આપી રહી છે. જો કે રેર કિસ્સામાં અને છેલ્લા સ્ટેજમાં દર્દી હોય ત્યારે જ આ ઈન્જેકશનો અપાતા હોય છે. રેમડેસિવીરનાં ૈપયોગ માટે દર્દીની સંમતી લેવી પડે છે.
કોરોનાની સારવારમાં આ બે ઈન્જેકશનોની રાતોરાત ડીમાન્ડ વધી જતાં આઈસીએમઆર અને ડબલ્યુએચઓ એ આ દવાનાં ઉપયોગ અંગે વોચ રાખવાનું શરૂ કર્યુ છે. કંપનીઓ તો દાવો કરતી હોય છે પણ વાસ્તવમાં તે કેટલી અને કયા પ્રકારનાં દર્દીને કેટલી ફાયદાકારક રહી તેનું મોનટરીંગ કરવામાં આવી રહયુ છે અને તેનાં માટે ફિડબેક લેવામાં આવી રહયા છે.