Get The App

સમયનું ચકડોળ ફરતા લોકમેળાની ઓળખસમી અનેક વસ્તુઓ અદ્રશ્ય

Updated: Aug 22nd, 2019

GS TEAM


Google News
Google News
સમયનું ચકડોળ ફરતા લોકમેળાની ઓળખસમી અનેક વસ્તુઓ અદ્રશ્ય 1 - image

ભાવનગર, તા. 22 ઓગસ્ટ 2019, ગુરૂવાર

એમ્યુઝમેન્ટ પાર્ક, થીમબેઝ કાર્નિવલ વિગેરેને કારણે મોટા શહેરોમાં લોકમેળો હવે અદ્રશ્ય થઇ ગયો છે. સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઉત્તર ગુજરાત, પંચમહાલના શહેરોમાં આજે પણ સાતમ-આઠમના તહેવારોમાં આ લોકમેળાની રંગત જામતી હોય છે. મંદી, કપરી સ્થિતિ, કુદરતી આપદા કે પારિવારક ચિંતાઓ આ બધુ જ કોરાણે મુકીને આ પંથકના લોકો આ દિવસો દરમિયાન 'મેળામય' બની જતા હોય છે. સૌરાષ્ટ્રમાં તો કહેવાય છે કે, વ્યાજે ફદીયા લઇને પણ પરબ કરવાના. આવા લોકમેળાની મજા કંઇક ઓર હોય છે. પરંતુ છેલ્લા દસકામાં આવા મેળામાંથી તેની શાન અને ઓળખસમી અનેક વસ્તુઓ ક્રમશઃ અદ્રશ્ય થઇ ગઇ છે.

ચકડોળ વગરનો મેળો ન હોય. આજે પણ મેળામાં જાઇન્ટ વ્હીલ અને આધુનિક રાઇડ્સ તો હોય છે પરંતુ એક સમયે મેન પાવરથી ચાલતા ચકડોળ હવે અદ્રશ્ય થઇ ગયા છે. માણસ પોતાના હાથથી ધક્કો મારીને અને દોડીને ચકડોળને ગતિ આપે. આવા ચકડોળની ગતિ આજની આધુનિક રાઇડ્સ કરતા ઓછી હતી પરંતુ તેની મજા કંઇક અલગ હતી. જે હવે મોટાભાગના મેળામાંથી અદ્રશ્ય થઇ ગઇ છે. આવા મેઇન ઓપરેટેડ ચકડોળ હવે ક્યાંક જ જોવા મળે છે.

જ્યારે મોટાભાગની રાઇટ્સ ઈલેક્ટ્રીક થઇ ગઇ છે. ટયુબમાંથી બનાવેલ રબ્બરની પટ્ટી સાથે બાંધેલ પાણી ભરેલા ફુગ્ગા, સાઇકલના આરા કે સળી સાથે બાંધેલા ફુગ્ગામાં ચોખા કે કાકરા નાખી બનાવેલ અવાજ કરતો ઘુઘરો, કાકડી (લાંબો ફુગ્ગો) જેમાંથી બનાવેલા વિવિધ પ્રાણીઓ, ગારાની રીંગ અને દોરી સાથે જોડેલી ગારા કે ડામરની ગોળીથી અવાજ કરતું ડમરૃં આ ગૃહઉદ્યોગમાંથી બનેલા રમકડાઓ એક સમયે મેળાની શાન હતા. જ્યારે આજે પ્લાસ્ટીકના રમકડા અને સેલ કે ઈલેક્ટ્રીકથી ચાલતા ગેઝેટ્સ તેના સ્થાને જોવા મળે છે.

ખાસ કરીને સાતમ-આઠમના મેળામાં માટીમાંથી બનાવેલ ચુલો, તાવડી, કથરોટ સહિતના રસોડાના સાધનોનું નાની બાળાઓમાં ખાસ આકર્ષણ રહેતું. જે હવે અદ્રશ્ય થઇ ગયા છે અને પ્લાસ્ટીકના કિચન સેટ સ્ટોલમાં વેચાતા હોય છે. આજ રીતે લાકડાની પટ્ટીઓમાંથી બનાવેલ ટ્રક, વિમાન, ચાલણ ગાડી, સાઇકલના આરામાંથી બનાવેલ નાની સાઇકલ, મોટર, પઝલ પણ હવે કાળક્રમે અદ્રશ્ય થઇ ગયા છે. દોરા વીટવાના કોકડામાં બંગડીના કટકા નાખી બનાવેલ કેલીડોસ્કોપ હજુ આજે પણ ક્યાંક જોવા મળે છે. જ્યારે રંગબેરંગી રિબીનમાંથી બનાવાયેલ સુસોભનના તોરણ હવે અદ્રશ્ય થઇ ગયા છે.

સમયની સાથે લોકમેળો પણ બદલાયો છે. એક સમયે સળગતો માણસ મોતના કુવામાં કૂદે તેના ખેલ આવા મેળામાં રંગ જમાવતા જ્યારે આજે ફિલ્મી ગીતો અને લોકસંગીતના કાર્યક્રમો યોજાવા લાગ્યા છે. પાણીપુરી, ભેળ, આઇસ્ક્રીમ કોનની મજા હજું મેળામા જળવાઇ છે. પરંતુ દાબેલી, પાઉંવડા, મીની પીઝા,  લાઇવ ઢોકળા હવે વધુ લોકપ્રિય બની ગયા છે. આમ ૧૦ વર્ષમાં લોકમેળાની ઓળખ બદલાઇ રહી છે. પ્લાસ્ટીક અને મેટલના રમકડાઓ આવતા માટી અને લાકડાના રમકડા, જાઇન્ટ વ્હીલ આવતા મેન ઓપરેટેડ ચકરડીઓ હવે કાળક્રમે અદ્રશ્ય થઇ ગઇ છે.

• પાણી ભરેલા ફુગ્ગા, ફુગ્ગાનો ઘુઘરો
• કાકડી (લાંબા ફુગ્ગા)માંથી બનેલા રમકડા
• માટીનું ડગડુગીયું-ડમરૃ
• સાયકલના આરામાંથી બનેલા રમકડા
• માટીમાંથી બનેલો કુકીંગ સેટ
• લાકડાના પાટીયામાંથી બનેલા ટ્રક વિમાન
• દોરાના કોકડામાંથી બનેલા કેલિડોસ્કોપ
• કાચની પટ્ટીઓ અને કટકામાંથી બનાવાયેલ ઘર
• પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવાયેલા શોપીસ
• મેચ બોક્સ (બાકસ)ના ખોખામાંથી બનેલા રમકડા
Tags :