Gujarat

રાજકોટમાં ગંભીર સ્થિતિ,3 દિ'માં 12000 લોકોને ઘરોમાં કેદ કરાયા

By GS Team
24 Jul 20202 mins read
This article was originally published on 24 Jul 2020
રાજકોટમાં ગંભીર સ્થિતિ,3 દિ'માં  12000 લોકોને ઘરોમાં કેદ કરાયા

 રાજકોટ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર

રાજકોટમાં આજે કોરોનાના વધુ ૪૫ સહિત ૭૩૬ કેસ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૪૪૦ ઉપર પહોંચી ગઈ છે. શહેરમાં વધુ બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે અને મૃત્યુની વિગતો મનપા દ્વારા છુપાવાઈ રહી છે જેને કારણે લોકોને હજુ પરિસ્થિતિની ગંભીરતા સમજાતી ન હોય તેમ શહેરમાં નીકળી પડે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રોજ ૩૦-૪૦ નવા દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે, નવજાત બાળકથી વૃધ્ધો સહિત અનેક લોકો અનેક લત્તાઓમાં ચેપગ્રસ્ત બની રહ્યા છે. મહાપાલિકા દ્વારા માત્ર ત્રણ દિવસમાં દર્દીઓના સંપર્કમાં આવેલા ૧૨ હજાર લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે અને તેઓને ઘરમાં જ ૧૪ દિવસ સુધી કેદ રહેવા કડક તાકીદ કરાઈ છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર આજે ૪૫ નવા કેસો આવતા ૧૧૭૨ ગરોમાં રહેતા ૪૯૨૬ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. શહેરમાં ૨૯૮ વિસ્તારોમાં ત્રણ દિવસમાં માઈક્રો કન્ટેનમેન્ટની કાર્યવાહી કરાયાનું મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યુ હતું. 

પરંતુ, બીજી તરફ આરોગ્ય ખાતામાં હજુ સુસ્તીની ફરિયાદો છે. ખુદ આરોગ્ય અધિકારી રિંકલ વીરડીયા રજા ઉપર ઉતરી ગયાનું મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું છે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડને ફરી એક વાર ચાર્જ સોંપાયો છે. ફિલ્ડ વર્કને બદલે હજુ પણ મનપામાં મીટીંગો ઉપર મીટીંગો થાય છે. જ્યારે મહામારીથી બચવા થયેલી, થતી કામગીરીથી અને વર્તમાન સ્થિતિ અંગે પૂરી માહિતી પણ લોકોને આરોગ્ય તંત્ર આપી શકતું નથી. મૃત્યુ કૂલ કેટલા થયા તે વિગતો છુપાવવાની સાથે હવે રોજ શહેરમાં મૃત્યુ પામતા દર્દીઓની વિગતો આપવાનુ પણ બંધ કરાયું છે. 

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તેના અધિકારી ડો.મિતેષ ભંડેરી સહિતનો સ્ટાફ પણ ચાર માસથી કોરોનાની એકધારી કામગીરી કરે છે જ્યાં કોઈને કોરોનાનો ચેપ લાગી જાય અને હોમ ક્વોરન્ટાઈન થવું પડે તો તે સ્થિતિ માટે પ્લાન બી પણ તૈયાર કરાયો છે જેથી આ મહામારી સંબંધી કામગીરી જારી રહે. પરંતુ, મહાપાલિકામાં આવી પણ કોઈ તૈયારી હોવાનું જાહેર કરાયું નથી. ધન્વંતરી રથ રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વના છે પરંતુ, લાખો લોકો સુધી આ સુવિધા પહોંચી જ નથી.