નિશાળનું પગથીયું જ ન ચડયા હોય તેવા 1465 વિદ્યાર્થીને અપાય છે અલગ શિક્ષણ
ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઇ મુજબ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત શિક્ષણ અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલ 6 થી 14 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધો. 1 થી 8નું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના વિકલાંગ સહિતના બાળકોનો સર્વે કરી તેઓને સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટરમાં આવરી લઇ વયને અનુરૂપ ધોરણમાં મેઇન સ્ટ્રીમ કરવામાં આવે છે.
SSA દ્વારા કદી શાળાએ ન ગયેલ બાળકોનો સર્વે કરવામાં આવે છે. આ SSA ભવિષ્યના ટૂંકાગાળામાં સમગ્ર શિક્ષા અભિયાનમાં પરિપ્રેક્ષ્યમાં તૈયાર થવા જઇ રહ્યું છે જેમાં 4 થી 18 વર્ષના બાળકોનો સમાવેશ થશે.
હાલ SSAમાં સર્વે ફોર્મ નવેમ્બરમાં છાપણી કામ હાથ ધરવામાં આવે છે. જ્યારે ડિસેમ્બરમાં સર્વેની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે જેમાં શહેરી વિસ્તારમાં નોટીફાઇડ અને અન નોટીફાઇડ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી તેવા વિસ્તારોમાં સર્વે થશે અને જે મુજબ આગળ અભ્યાસ કાર્ય કરાવવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર પોતે ભોગવી રહી છે.
વર્ષ 2019-20ના સર્વ શિક્ષા અભિયાન હેઠળના સર્વેમાં મળેલી વિગતો મુજબ જે વિદ્યાર્થી શાળનું પગથીયું ચડયા જ નથી અથવા અધવચ્ચેથી ડ્રોપ આઉટ થયા છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં દિનપ્રતિદિન નહીવત ઘટાડો જોવા મળે છે.
જો કે, ગત વર્ષની વાત કરીએ તો જિલ્લાના પાંચ બ્લોકની 89 એસ.એમ.સી.માં કુલ 1465 વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ હેઠળ અભ્યાસ કાર્ય કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિદ્યાર્થીનીઓની સરખામણીએ વિદ્યાર્થીની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે. જો કે, આ હાલ SSAની વાત રહી જે હવે આગામી દિવસોમાં સમગ્ર શિક્ષા થવા જઇ રહ્યું છે ત્યારે આવા વિદ્યાર્થીની સંખ્યા સ્વાભાવિક વધી જવા પામશે.