સૌરાષ્ટ્ર ઈ.1956સુધી સ્વતંત્ર, ઈ.1960 સુધી મુંબઈમાં રહ્યા બાદ ગુજરાતમાં ભળ્યું
- આજે ગુજરાત સ્થાપના દિનઃ રાજકોટને હાઈકોર્ટ ૬૦ વર્ષેય પરત ન મળી !
- શહેરનું સર્કિટહાઉસ બે માસ મોડુ સ્વતંત્ર થયું હતું!
રાજકોટ, તા. 30 એપ્રિલ, 2020 ગુરૂવાર
આવતીકાલે તા.૧ મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને સાથે એક સમયે ૨૨૨ રજવાડાઓને સંગઠિત કરીને રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્ય (યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર) ગુજરાતમાં ભળી ગયું તેનો યાદગાર દિવસ છે. સૌરાષ્ટ્ર તે પહેલા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ પણ કહેવાતું. ભારતની પશ્ચિમ સરહદના આ છેલ્લા રાજ્ય હવે ગુજરાતનો એક પ્રદેશ છે અને આજે ૧૧ જિલ્લાઓ ધરાવે છે. સૌરાષ્ટ્રને ગુજરાતમાં ભળવાથી ઘણુ મળ્યું પણ એક મહત્વની સુવિધા જે રાજકોટમાં પહેલેથી હતી તે હાઈકોર્ટ કે તેની બેન્ચ તીવ્ર લોકમાંગણી છતાં મળી નથી.
ઉપલબ્ધ વિગતો અનુસાર આમ તો અંગ્રેજોએ પણ અહીં ઈ.સ.૧૮૭૩માં રાજસ્થાનિક કોર્ટ સ્થાપી હતી અને ન્યાયિક પ્રણાલીની શરુઆત થઈ હતી. રાજા કહે તે કાયદો નહીં, કાયદો ઘડાયો હોય તે જ કાયદો એવી સીસ્ટમ શરુ થઈ હતી. આ પહેલા ઈ.સ.૧૮૨૦માં બ્રીટીશ રાજ અહીં આવ્યું અને અંગ્રેજોએ સૌરાષ્ટ્રમાં પોતાનો વહીવટ શરુ કરવા રાજકોટ રાજ્ય પાસેથી ૬૩૮ એકર જમીન વર્ષે રૂ।.૨૮૦૦ના ભાડે પટ્ટે લઈને સદર વિસ્તાર કહેવાતા આ સ્થળે વિવિધ કચેરીઓ સ્થાપી (જે બિલ્ડીંગો, અવશેષો, નામ હજુ મોજુદ છે) તેમાં ઈ.સ.૧૯૩૧માં ફોજદારી અદાલત પણ અહીં શરુ કરાઈ હતી.
ત્યારબાદ ભારત સ્વતંત્ર થયો ત્યારે ઈ.સ.૧૯૪૮થી ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય હતું અને અંગ્રેજો પછી રજવાડાઓએ પણ બેઠક કરીને રાજધાની રાજકોટ રાખી હતી. હા, રાજકોટ એ સૌરાષ્ટ્ર રાજ્યનું સત્તાવાર પાટનગર હતું અને ૧૯૫૬ સુધી અહીંના સિવિલ હોસ્પિટલ ચોક પાસે હાઈકોર્ટ હતી અને ઈ.સ.૧૯૫૬થી ઈ.૧૯૬૦ સુધી તે મુંબઈ દ્વિભાષી રાજ્યમાં ભળ્યું ત્યા સુધી પણ રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ હતી. આજે હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રના લાખો કેસો છે, ભાજપ હોય કે કોંગ્રેસ, તથા વકીલ મંડળોએ લાંબા સમય સુધી હાઈકોર્ટ બેન્ચ માટે આંદોલન કર્યા, રજૂઆતો કરી છે, સરકાર પહેલા કોંગ્રેસની પછી ભાજપની આવતી-જતી રહી પણ આસુવિધા હજુ સુધી રાજકોટને પરત મળી નથી.
૨૨૨ રજવાડા (અને ૮૬૦ જેટલી તો સરહદો હતી!)ને સ્વતંત્રતા મળતા ભારતમાં ભેળવનાર તો લોખંડી પુરુષ સરદાર પટેલ પણ તે પહેલા આ રાજ્યોને ઢેબરભાઈએ એક સંગઠિત કરવામાં મોટુ યોગદાન આપ્યું. તે અગાઉ અંગ્રેજોએ આ રાજ્યો સાત વિભાગમાં વહેંચ્યા હતા. વર્ગ-૧,વર્ગ-૨ એમ રાજકોટ વર્ગ-૨નું રાજ્ય ગણાતું પણ ભૌગોલિક રીતે તેનું મહત્વ જોઈને અંગ્રેજોએ પણ પોતાના કામકાજ માટે રાજકોટ પસંદ કર્યું અને અહીં હાલ રેલવે ઓફિસ છે ત્યાં કોઠી સ્થાપી હતી, જે આજે પણ કોઠી કમ્પાઉન્ડ કહેવાય છે. તો ઈસ્ટર્ન હાઉસમાં અંગ્રેજ પોલીટીકલ એજન્ટ નિવાસ કરતા અને ત્યાં હાલ કલેક્ટર વસે છે.
પરંતુ, ગુજરાત જેમ ૧ મે ૧૯૬૦માં સ્થપાયું તેમ સૌરાષ્ટ્ર જ્યારે ૧૯૪૮માં સ્થપાયું ત્યારે તેના મુખ્યમંત્રી ઉ.ન.ઢેબર એક સાચા અર્થમાં સેવક હતા. આજે તો વગદાર રાજકીય કાર્યકરો પણ બંગલામાં વસે છે ત્યારે ઢેબરભાઈએ તેમને મળી શકતા ઉપરોક્ત ઈસ્ટર્ન હાઉસ જેવા બંગલાને બદલે ડો.કેશુભાઈના બે રૂમના નળિયાવાળા મકાનમાં રહેવાનું પસંદ કર્યું અને ઉમદા કામ કર્યું. ત્યારે આતંકવાદીઓ ન્હોતા, પણ બહારવટિયાઓ હતા પણ લોકસેવકોને ડર ન્હોતો અને ઝેડ પ્લસ જેવી સિક્યુરિટીની પણ પ્રથા ન્હોતી.
દેશ તો ૧૫ ઓગષ્ટ ૧૯૪૭માં સ્વતંત્ર થયો પણ રાજકોટમાં આજે મુખ્ય સહિતના મંત્રીઆ, ઉચ્ચ અફ્સરો આવે ત્યારે રોકાય છે તે સરદારબાગ ગેસ્ટહાઉસ (સર્કિટહાઉસ) બે મહિના મોડુ સપ્ટેમ્બર-૧૯૪૭માં સ્વતંત્ર થયું હતું, અર્થાત્ ભારતને તેનો કબજો મળ્યો હતો કારણ કે તે જુનાગઢનો ઉતારો હતો અને જુનાગઢના નવાબ ભારતમાં જોડાવા ત્યારે તૈયાર નહીં થતા જુનાગઢની આઝાદી માટે સંગ્રામ થયો હતો.
સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની રાજકોટમાં ત્યારે આજના અરવિંદ મણિયાર હોલ (કોનોટ હોલ)માં ધારાસભા બેસતી (આજે પણ તેની રચના એવી જ છે), સર્કિટહાઉસમાં અને પછી સિવિલ હોસ્પિટલમાં સચિવાલય શરુ કરાયું, જુની કલેક્ટર ઓફિસ વેસ્ટલેન્ડ હોસ્પિટલ હતી, (આજે પણ તેની રચના જોતા તે સમજાશે). એ વખતે (ઈ.૧૯૫૧ની ગણત્રી) રાજકોટની વસ્તી માત્ર ૧.૩૧ લાખ હતી.
કૈસરે હિન્દ પૂલ, જ્યુબિલી બાગ, લેંગ લાઈબ્રેરી, વોટસન મ્યુઝિયમ ,આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એ રાજકોટવાસીઓની જીભે દાયકાઓથી ચડેલા નામો છે. આ બધી અંગ્રેજ બાબુઓની યાદગીરી છે. રાણી વિક્ટોરિયાના શાસનને ૫૦ વર્ષ પૂરા થયા તે જ્યુબિલી વર્ષને ઉજવવા આ બાગનું નામ જ્યુબિલી પડયું, આજેય રમણીય પણ મનપાએ માત્ર એક કરોડની રકમ ફાળવવા છતાં એટલુંય કામ નહીં કરતા જર્જરિત બનેલ ઐતહાસિક સ્થળ છે. કૈસરે હિન્દ એ રાણીને અપાયેલો ઈલ્કાબ હતો. વોટસન, લેંગ, આલ્ફ્રેડ એ અંગ્રેજ અમલદારોના નામ છે.
આવતીકાલે ગુજરાત સ્થાપના દિન, લોકડાઉનના કારણે જાહેર કાર્યક્રમ યોજાશે નહીં પણ ઈતિહાસમાં સંભારણાને સંભારવામાં કોઈ પ્રતિબંંધ નથી. આધુનિક રાજકોટમાંથી ચૂંટાઈને કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને હાલમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા છે ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ત્યારના મુખ્યમંત્રી ઢેબરભાઈ અને રાજકોટમાં પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ લીધું તે મહાત્મા ગાંધીજીનું સ્મરણ આજે પણ પ્રેરણાદાયી છે. શહેરના આ ઐતહાસિક સ્થળોનો અધિકૃત ઈતિહાસ આધુનિક ડીજીટલ શૈલીમાં તૈયાર કરવામાં કે આ સ્થળોની જાળવણી કરી સંભારણારૂપ કોતરણી કરેલા શબ્દોને સાચવવામાં મનપા સહિતના તંત્રો દ્વારા રસ લેવાની પણ જરૂર છે. .