શિયાળાની ઋુતુમાં આસાનીથી વેચાઈ જતા લાખ્ખો રૂપીયાના સાત્વિક સુકામેવા
- કાળઝાળ મોંઘવારીમાં પણ સુકા મેવાનો દબદબો હજુ પણ યથાવત
- એક એકથી ચડીયાતા રંગબેરંગી ડિઝાઈનવાળા સુકા મેવાના ગિફટ પેકનું વધી રહેલુ ચલણ
ભાવનગર, તા.26 ડીસેમ્બર 2020, શનિવાર
સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુ જામતા શકિતવર્ધક પાકની ડિમાન્ડ વધતા સુકા મેવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે. કાળઝાળ મોંઘવારી હોવાથી સુકા મેવાના ભાવ ગગનને આંબી રહ્યા હોવા છતા તેની માંગમાં ઘટાડો થયો નથી. દર વર્ષે શિયાળાની ઋુુતુમાં જ લાખ્ખો રૂપીયાના સુકા મેવા આસાનીથી વેચાઈ જાય છે.
વર્ષોથી આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુમાં સાત્વિક ગણાતા અલગ-અલગ સુકા મેવાની માંગ સડસડાટ રીતે વધી જતી હોય છે. ગત વર્ષોમાં કાજુ અન્યત્ર નિકાસ થતા અને કાજુનો અપૂરતો પાક થતા એટલુ જ નહી લાંબા અંતરેથી પરિવહન,જી.એસ.ટી.,નફો તેમજ મજુરીદર સહિતના કારણે કાજુ, બદામ, અખરોટ, અંજીર સહિતના સુકા મેવાનો ભાવ વધુ ને વધુ ઉંચે જઈ રહ્યો હોય મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને સુકા મેવાના દર્શન દુર્લભ બની રહ્યા છે. સુકા મેવાના ભાવ ગગને આંબતા હોવા છતા તેની માંગ ઘટતી નથી. શિયાળામાં સુકા મેવાના નીત્ય ઉપયોગથી તંદુરસ્તી જળવાઈ રહે છે તેમજ અલગ અલગ દર્દ,રોગમાં પણ આ સુકા મેવા અત્યંત ગુણકારી હોવાથી આયુર્વેદાચાર્યો તેમજ તજજ્ઞાો દ્વારા સુકામેવાની ખાસ ભલામણ કરાય છે. લગ્નસરાની સીઝનમાં કન્યા તેમજ વર પક્ષના પરિવારોને લાડકા લાડુ તરીકે તેમજ વિવિધ માંગલિક પ્રસંગોમાં,જન્મદિવસ,મેરેજ એનીવર્સરી ડે નિમીત્તે સ્વજનને સુકા મેવા અને કાજુ રોટલાના ફેન્સી બોક્ષ આપીને હરખ વ્યકત કરવાનું ચલણ અન્ય મેટ્રોસીટીની જેમ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. તેથી જ શહેરના ઉંડીવખારમાં આવેલી સુકામેવાની દુકાનોમાં તેમજ પ્રોવીઝન સ્ટોર,કરીયાણાની દુકાનો ઉપરાંત મોલમાં પણ સુકા મેવાના એક એકથી ચડીયાતા અલગ અલગ કદના રંગબેરંગી ડિઝાઈનના દિલ સહિતના આકારવાળા ફેન્સી રંગીન ગીફટ પેક ગ્રાહકોને ખરીદવા આકર્ષી રહ્યા છે.
વૈવિધ્ય ધરાવતા ગીફટ પેક આકર્ષણરૂપ
સુકા મેવાનો દબદબો સમાજમાં વધવા લાગતા તેનુ પેકેજીંગ વધુ ને વધુ ચિત્તાકર્ષક બની રહેલ છે. રૂા ૧૦૦ થી લઈને માંગો તેટલી કિંમતના (યથાશકિત મુજબના) ગિફટ પેક મોટા પાયે વેચાઈ રહેલ છે. આ ગીફટ પેકમાં ૭૦ થી ૮૦ પ્રકારનું વૈવિધ્ય જણાય છે. અને હવે તો શુભેચ્છા પાઠવવા કાર્ડની સાથોસાથ સુકામેવાના ગિફટ પેકનું હવે સુખી અને સાધન સંપન્ન સમાજમાં આકર્ષણ વધી રહેલ છે.