અભયારણ્ય નહીં બને તો વર્ષ 2020 પછી કચ્છમાં ગીધ દેખાતા બંધ થઈ જવાની ભીતિ
- ઘોરાડની જેમ પક્ષીરાજનુ અસ્તિત્વ પણ જોખમમાં મૂકાયું
- કચ્છના પૂર્વ વન વિભાગના કાળો ડુંગર વિસ્તારમાં માત્ર ચાર અને પશ્ચિમમાં 65 ગીધ બચ્યા હોવાનુ અનુમાન
ભુજ, તા. 16 ઓકટોબર 2018, મંગળવાર
પર્યાવરણને સ્વચ્છ રાખવામાં જેનુ વિશેષ યોગદાન મનાય છે તેવા પક્ષીરાજ જટાયુના વંશજ ગીધની જ સફાઈ થવા લાગી છે. અભયારણ્યનો વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ઘોરાડ બાદ ગીધની પ્રજાતિ પણ લુપ્ત થવાના આરે માનવામાં આવી રહી છે. એક સમયે અબડાસા તાલુકામાં ગીધ પક્ષીના ૨૫-૩૦ના ઝુંડમાં જોવા મળતા હતા. હવે એકલવાયા ગીધ પણ માંડ જોવા મળી રહ્યાં છે. વન વિભાગના પૂર્વ ક્ષેત્રમાં ભુજ તાલુકાના કાળો ડુંગર વિસ્તારમાં માંડ ચાર ગીધ બચ્યા છે તો ગત વર્ષના આંકડા મુજબ પશ્ચિમ કચ્છના અબડાસા, માંડવી અને લખપત વિસ્તારમાં ૬૫ની સંખ્યા નોંધાઈ હોવાનું જાણવા મળે છે. સેન્સસની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે તો બીજી બાજુ જો આ કુદરતી સંપદા સમાન પક્ષીરાજ માટે અભયારણ્ય જેવી સુરક્ષા ઉભી ન કરાય તો ૨૦૨૦ સુધી આ પક્ષી પણ નામશેષ થવાની ભીતિ ઉભી થઈ છે.
ભૂસ્તર હોય કે વન સંપદામાં કચ્છ જિલ્લો અવ્વલ છે પરંતુ આવી કુદરતી સંપતીની સાચવણી અને સંવર્ધન માટે યેન કેન પ્રકારેણ ઉદાસીનતા સહિતના મુદ્દાઓ નડતા હોય છે. જેમ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડનું અસ્તિત્વ જોખમમાં છે તેમ ગીધની વસતિ પણ ઘટતી જતી હોવાના કારણે આગામી સમયમાં કુદરતી સફાઈ કામદાર પણ લુપ્ત પ્રજાતિમાં આવી જાય તેમ છે.
હાલમાં અબડાસા તાલુકામાં સાધાણ, સુથરી, નલિયા, જખૌ, લાલા, વગેરે ગામોમાં મોટી સંખ્યા ગીધની હતી પરંતુ મોટા ઉંચા વૃક્ષોની સંખ્યા પણ ઘટી ગઈ છે અને મેડીવાળા મકાનો પણ પાડી દેવામાં આવતા હોવાથી ખંડેર જેવી જગ્યા મળતી નથી આના લીધે ગીધનો વસવાટ ઘટવા માંડયો છે. સાધણ અને સુથરી વિસ્તારમાં ભાગ્યે આ પક્ષી દેખાય છે તો લખપત તાલુકા અને માંડવી પંથકમાં નજરે ચઢી જાય છે. હાલમાં માંડવી તાલુકા પોલડીગયા ગામ ૮થી ૧૨ ગીધ છે.
ગીધને બચાવવા માટે સેન્ચ્યુરી એક મહત્વનુ કદમ ગણી શકાશે. કારણ કે ગીધ કોઈ દિવસ શિકાર કરતું નથી અને માત્ર મૃત પશુઓનો ખોરાક ખાતું હોય છે. જ્યા સુધી કોઈ પશુ-પંખીમાં જીવ હોય તેને શિકાર બનાવતો નથી તેની આ વિશેષતાના લીધે બધાથી અલગ જ પક્ષી છે. હાલમાં પશુપાલકો તેમના ઢોરોને દાટીને મૃત પશુઓનો નિકાલ કરતાં ગીધને ખોરાક મળતો નથી અના કારણે પણ મુશ્કેલી ઉભી થાય છે.
જો કોઈ મૃત પશુ દેખાય તો તેને ગીધનુ ઝૂંડ એકાદ કલાકના સમયમાં સાફ કરી નાખે તેવી રીતે ખાઈ જાય છે. ઉચા વૃક્ષાના જંગલોનો સોથ વળી ગયો છે તેથી વસતિને અસર થઈ રહી છે. ઉંચી મેડીવાળા મકાનો ઘટતા જતા હોવાના કારણે તથા ઉંચાવૃક્ષોની સંખ્યા ઘટતી જતી હોવાના લીધે ગીધના માળાઓ બનતા નથી. તો ગ્રામીણ વિસ્તારોમાં ખંડેર મકાનોની સંખ્યા પણ ઓછી હોવાના કારણે માળા બનતા નથી અને પ્રજનન થઈ શકતું નથી.
કચ્છમાં ગીધની 6 પ્રજાતિ જોવા મળે છે
(૧) દેશી ગીધ(ડાડુ કે જટાયુ ગીધ)(૨) ખેરોગીધ(૩) રાજગીધ(૪) સફેદ પીઠ વાળો ગીધ(૫)ગિરનારી ગીધ (૬) રાજગીધ. પશ્ચિમ કચ્છમાં ગીધની સતાવાર માહિતી મુજબ ૨૦૦૫ માં ૯૧૦, ૨૦૦૭માં ૪૬૨, ૨૦૧૦માં૨૩૫ અને ૨૦૧૨માં ૧૮૦ ગીધ નોંધાયલા છે. હાલમાં ૬૫ની સંખ્યા હોવાનુ વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
પશુ સારવારમાં અપાતી દવા ગીધ માટે જોખમી
પશુઓની સારવારમાં ડાયક્લોફિનાક નામની દવા આપવામાં આવે છે તે અને દૂધાળા ઢોરને અપાતા ઓક્સિટોસીનના ઈજેક્શન ખતરા રૂપ છે. કારણ જ્યારે તે ઢોર મૃતદેહ પામે છે તેના શરીરમાં દવાઓની અસર હોય છે અને ગીધ તે જ માસ ખાય છે. તેની પ્રજનન અને આયુષ્ય પર અસર થાય છે.