પગારમાં કાપ અને છટણીથી ત્રસ્ત શિક્ષકો લડતનાં માર્ગે
- શાળાઓ-સરકારના કજીયામાં શિક્ષકોનાં પણ બૂરા હાલ
- જેમનાં થકી કમાયા એને જ નિષ્ઠુર શાળા સંચાલકોએ છેહ આપવા માંડયો
સરકાર પાસેથી સહાય માગતા શિક્ષકો
રાજકોટ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર
સરકાર હાલ ફી લેવાની મનાઈ કરતાં ખાનગી શાળાઓના સંચાલકોએ ઓનલાઈન એજયુકેશન અટકાવી દઈને વિદ્યાર્થીઓને નોંધારા કરી દીધાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં જ હવે શિક્ષકો પણ મેદાનમાં આવ્યા છે, અમુક સ્વનિર્ભર શાળાઓમાંથી શિક્ષકોની છટણી થવા લાગતાં તેમજ અનેકના પગાર કપાવા માંડતા શિક્ષક સમૂદાયે સરકાર પાસેથી આનો હલ માગીને અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ ખાનગી શિક્ષક મહાસંઘ નામાભિધાન સાથે કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જઈને શિક્ષક ગણે આ મુદ્દે આવેદન આપ્યું હતું. તેમણે ફરિયાદ ઉઠાવી છે કે, ગત માર્ચ-એપ્રિલ મહિનાથી જ ખાનગી શાળાઓના શિક્ષકોને અનિયમિત પગાર આપીને તેમજ અડધો અડધ કાપ મૂકી દઈને અથવા કયાંક માત્ર લેકચર બેઈઝ સેલેરી જ આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ટકા જેટલાં શિક્ષકોને તો છૂટ્ટા કરી દેવાયા છે. રાજકોટમાં માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિકના જ ત્રણે'ક હજાર સહિત રાજયભરમાં પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાના દસ લાખ જેટલાં શિક્ષકોની હાલત હાલ કફોડી છે. વર્ષોથી શિક્ષાભ્યાસ જ કરાવતા હોવાથી અન્ય કોઈ વ્યવસાયની ન તો તેમને જલ્દી ફાવટ આવે છે, ન વેપાર - ધંધો કરવા માટે તેમની પાસે મૂડી બચી છે.
લગાતાર ચાર મહિનાથી પગાર જ મળ્યો ન હોવાથી તેમની બચત પણ ખતમ થઈ જતાં હાલ મકાનભાડાં ભરવાથી લઈને કુટુંબનો નિર્વાહ કેમ કરવો તે પ્રશ્ન છે. ડોકટરો, ઈજનેરો, સીએ, વકીલો વગેરેનું ઘડતર કરતા શિક્ષકો ભટકતાં - રખડતાં થઈ જાય તેવી સ્થિતિ હોવાથી સરકાર તેમનાં માટે ફંડ - પેકેજ જાહેર કરે તેવી તેમની રજૂઆત છે.
આવેદન પત્ર સુપરત કર્યા બાદ આજે સાંજે શાસ્ત્રી મેદાન ખાતે વીસે'ક શિક્ષકોએ એકત્ર થઈને મંડળ સ્થાપવા વિચારણા આદરી હતી. ઉપરાંત, કઈ - કઈ ખાનગી શાળાએ કેટલાંને કાઢી મુકયા, કયાં કેટલાં મહિનાથી પગાર નથી ચૂકવાયો, કયા સંચાલકે કેટલા ટકા પગારકાપ મુકયો એ અંગેની વિગતો એકત્ર કરવામાં આવશે તેમ શિક્ષકોએ જણાવ્યું હતું. સાત દિવસમાં ઉકેલ ન આવે તો શહેરનાં તમામ સર્કલો પર બેનર સાથે પીકેટિંગ, રેલી અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેમ તેમણે ઉમેર્યું છે.
નામું લખવાથી માંડીને ખેતીકામ અને પાનના ગલ્લે નોકરી!
શિક્ષકો માટે ચાણકયએ કહેલી જગપ્રસિધ્ધ વાતનું મુલ્ય તો શિક્ષકો બરાબર જાણતા જ હશે પરંતુ અત્યારે તેમાંના અનેક દાધારીંગા શાળા સંચાલકો પાસે હાર સ્વીકારી લેવી પડી હોય તેમ શિક્ષણ છોડીને જીવનનિર્વાહ માટે કોઈકે કોમ્પ્યુટર એકાઉન્ટીંગ તો કોઈકે શાકબકાલાની લારી, અમૂકે ગામડે જઈને ખેતીકામ તો અમૂકે પાનનાં ગલ્લે બેસી જઈ 'આત્મનિર્ભર' બનવું પડયું છે!