ભાવનગર, તા. 09 ફેબ્રુઆરી 2020, રવિવાર
એમ. કે. ભાવનગર યુનિવર્સિટીની કાયા પલટ માટે પ્રપોઝલ રજુ કર્યા બાદ ટેકનીકલ પુર્તતા કરાયા બાદ અંતે રૂસામાંથી ભાવનગર માટે ૨૦ કરોડની ગ્રાન્ટને મંજુરીની મહોર લાગી હોવાનું જણાયું છે. જે આગામી દિવસોમાં એલોટ કરાયા બાદ અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે.
હાલના આધુનિક પ્રવાહમાં અન્ય યુનિવર્સિટી સાથે કદમ મિલાવવા એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં હજી ઘણી અદ્યતન સુવિધા, ઈન્ફાસ્ટ્રકચરની જરૂરિયા હોય જીણી જીણી છણાવટ બાદ યુનિવર્સિટીના ચોક્કસ વિકાસ કામો માટે રૂસાની ૨૦ કરોડની પ્રપોઝલ યુનિ.એ કરી હતી અને ત્યારબાદ પુર્તતા પણ કરાઈ હતી જેના પર અંતે મંજુરીની મહોર લાગી જવા પામી છે અને આગામી દિવસોમાં આ ગ્રાન્ટ યુનિવર્સિટીની કાયા પલટમાં મહત્વનો ભાગ ભજવશે.
જોકે લાંબા સમયથી રૂસાની ગ્રાન્ટ મેળવવા મથામણ ચાલતી હતી. જ્યારે ફાઈનલ પ્રપોઝલ સબમીટ કરાયા બાદ ટેકનીકલ રીતે સંપૂર્ણ માહિતીની પૂર્તતા મંગાવાઈ હતી જે પૂર્ણ કરાતા પ્રપોઝલના કામો અને તેના ખર્ચ માટે રૂસાએ રૂા. ૨૦ કરોડની ગ્રાન્ટને અંતે મંજુરીની મહોર મારી દેવાઈ છે જે યુનિવર્સિટી માટે ઘણી મહત્વની સાબીત થશે.
આવનાર આ ગ્રાન્ટમાંથી વિવિધ વિષયની લેબના સાધનો, ડિઝીટલ બોર્ડ, સાઉન્ડ સીસ્ટમ, કોમ્પ્યુટર, પ્રોજેકટર, સ્પોર્ટસમાં વિવિધ સાધનો, અટલ ઓડીટોરીયમની ફાયર સેફટી, એમ્ફી થીયેટરનું શેડીંગ, સ્વીમીંગ પુલનું બીજા સ્ટેજનુ ંકામ, વોટર હાર્વેસ્ટીંગ, અંતરીયાળ રસ્તા પહોળા અને પેવર કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું જણાયું છે. આમ યુનિવર્સિટીએ ફાઈનલ કરેલ પ્રપોઝલમાં રોડ રસ્તા, સ્પોર્ટસ, એમ્ફી થીયેટર, ભવનોના કલાસની સાથે લાયબ્રેરીને પણ આધુનિક લુક આપવા સ્થાન અપાયુ છે ત્યારે રૂસાની મંજુરી મળતા નવા કલેવરના દ્વાર ખુલી જવા પામ્યા છે.


