Get The App

નાગરીક સુવિધા કેન્દ્રમાં કામગીરી માટે સ્ટેમ્પ પેપર ફરજીયાત કરતા લોકોની દોડધામ વધી

Updated: Aug 23rd, 2022

GS TEAM

Google News
Google News
નાગરીક સુવિધા કેન્દ્રમાં કામગીરી માટે સ્ટેમ્પ પેપર ફરજીયાત કરતા લોકોની દોડધામ વધી 1 - image


- ભાવનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં સ્ટેમ્પ પેપર લેવા લોકોની ભીડ જામતી 

- કેટલીકવાર સ્ટેમ્પ ખાલી થઈ જતા લોકોને જુદા જુદા સ્થળે ધક્કા થતા હોવાની ફરિયાદ, લોકહિતમાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી 

ભાવનગર : ભાવનગર શહેરની સિટી મામલતદાર કચેરી સહિતના ૩ નાગરીક સુવિધા કેન્દ્રમાં કામગીરી માટે સ્ટેમ્પ પેપર ફરજીયાત કરતા લોકોની દોડધામ વધી હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં સ્ટેમ્પ પેપર લેવા માટે લોકોની ભીડ જામતી હોય છે. કેટલીકવાર સ્ટેમ્પ ખાલી થઈ જતા લોકોને જુદા જુદા સ્થળે ધક્કા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે લોકહિતમાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. 

શહેરની સિટી મામલતદાર કચેરી સહિતના ૩ નાગરીક સુવિધા કેન્દ્ર ખાતે સોંગધનામુ, જુદી જુદી યોજનાના ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી માટે પહેલા રૂ. પ૦ કોર્ટ ફીની ટીકીટ ચાલતી હતી તેથી અરજદારોને આસાની રહેતી હતી પરંતુ છેલ્લા થોડા દિવસથી રૂ. પ૦નો સ્ટેમ્પ પેપર જુદી જુદી કામગીરી માટે ફરજીયાત કરવામાં આવ્યો છે અને રૂ. પ૦ની કોર્ટ ફીની ટીકીટ નહી ચાલે તેવુ જણાવવામાં આવે છે તેથી અરજદારોને રૂ. પ૦નો સ્ટેમ્પ પેપર લેવા માટે દોડવુ પડતુ હોય છે. ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ પેપર મળે છે તેથી ત્યાં છેલ્લા થોડા દિવસથી ભીડ જોવા મળતી હોય છે. 

કેટલીકવાર સ્ટેમ્પ પેપર ખાલી થઈ જતા લોકોને બજારમાં ધક્કા થતા હોય છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટેમ્પ પેપર લોકોને આસાનીથી મળી રહે અને લોકોનુ કામ આસાનીથી પૂર્ણ થાય તેવુ આયોજન સરકારી તંત્રએ કરવુ જરૂરી છે. 

સરકારના આદેશ મુજબ સ્ટેમ્પ પેપર ફરજીયાત : સિટી મામલતદાર 

સ્ટેમ્પ પેપરની સમસ્યા અંગે ભાવનગરના સિટી મામલતદાર પ્રદિપસિંહ ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, સરકારના આદેશ મુજબ સ્ટેમ્પ ફરજીયાત કરવામાં આવેલ છે. કામગીરીમાં એક સુત્રતા જળવાય રહે તે માટે આવુ કરવામાં આવેલ છે. લોકોનુ કામ આસાનીથી થાય તે માટે ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ બે નાગરીક સુવિધા કેન્દ્ર શરૂ કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં આશરે ૧૧પ૦થી વધુ અરજીનો નિકાલ કરવામાં આવેલ છે. 

Tags :