Get The App

આજે ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ

Updated: Dec 20th, 2021

GS TEAM


Google News
Google News
આજે ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ 1 - image


- જિલ્લાના 10 તાલુકા મથકે સવારે 8 કલાકે મતગણતરી હાથ ધરાશે

- મતગણતરી દરમિયાન 500 થી વધુ કર્મચારી ફરજ બજાવશે : 870 મતપેટીમાંથી સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારનુ ભાવી ખુલશે 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આવતીકાલે મંગળવારે સવારે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ૧૦ તાલુકા મથકે હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે સરકારી તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે અને સેન્ટરો તૈયાર કરી નાખવામાં આવ્યા છે. જિલ્લામાં રવિવારે ર૪૪ સામાન્ય, પેટા અને મધ્યસત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આશરે ૬૮.પ૬ ટકા મતદાન નોધાયુ હતું. ચૂંટણીનુ પરિણામ જાણવા માટે લોકો ખુબ જ ઉત્સાહી છે.  

જિલ્લામાં આવતીકાલે મંગળવારે સવારે ૮ કલાકે ર૪૪ ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાવનગર, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, પાલિતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા, જેસર વગેરે તાલુકા મથકે મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાવનગર તાલુકાની મતગણતરી સીટી મામલતદાર કચેરી પાસે આવેલ વીટીસી સેન્ટર ખાતે થશે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે છેલ્લા કેટલાક દિવસથી સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. તાલુકા મથકોએ મતગણતરી સેન્ટર તૈયાર કરી નાખવામાં આવ્યા છે. મતગણતરી દરમિયાન પ૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી ફરજના કર્મચારીઓ વહેલી સવારે પ કલાકે મતગણતરી સેન્ટરે પહોંચી જશે અને તૈયારીઓ હાથ ધરશે. આ ચૂંટણીમાં આશરે ૮૭૦ મતપેટીનો ઉપયોગ થયો હતો. ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી મતપેટીઓ કાઢી મતગણતરી સેન્ટરે લવાશે. સવારે ૮ કલાકે મતગણતરી શરૂ થઈ જશે. બેલેટ પેપરથી મતદાન થયુ છે તેથી મતગણતરીમાં વાર લાગશે અને પરિણામ પણ મોડા જાહેર થશે તેમ ચર્ચાય રહ્યુ છે. મતગણતરી સેન્ટરો પર કોઈ અનીચ્છીનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાય હતી, જેમાં રરર સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી હતી. આ ચૂંટણીમાં આશરે ૬૮.પ૬ ટકા મતદાન નોંધાયુ હતું. કુલ ૩,૪૯,૬૮૦ મતદારોએ મતદાન કર્યુ હતુ, જેમાં ૧,૯૦,૧૬૪ પુરૂષ મતદાર અને ૧,પ૯,૬૮૦ સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં ૭૦.૦ર ટકા મતદાન થયુ હતુ, જયારે પેટા ચૂંટણીમાં પ૧.૧૧ ટકા મતદાન થયુ હતું. મતપેટીઓમાંથી સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારનુ ભાવી ખુલશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સારૂ મતદાન થયુ છે ત્યારે આ મતદાન કોને ફળે છે અને કોને નડે છે ? તેની રાહ જોવી જ રહી. ગામડાઓના મુખીઓના પરિણામ જાણવા મતદારો, ઉમેદવારો સહિતના ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે તેમ જાણવા મળેલ છે. 

ગામડાની ચૂંટણીના પરિણામ બાદ વિજયોત્સવ 

ભાવનગર જિલ્લામાં ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતીકાલે મંગળવારે સવારે હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થવાની શકયતા છે. આ ચૂંટણીનુ પરિણામ જાણવા ગામડાના લોકો ખુબ જ ઉત્સુક છે. ગામડાની ચૂંટણીના પરિણામ બાદ વિજયોત્સવ મનાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે. કેટલાક સમર્થકો દ્વારા ગુલાલ, હારતોરા તૈયાર રાખવામાં આવ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કેટલાક ઢોલીઓને તેમજ ડી.જે.વાળાને પણ ઓર્ડર અપાય ગયા હોવાનુ કહેવાય છે. 

ગામડાઓમાં હાર-જીતની ચર્ચા, શરતો લાગી 

ભાવનગર જિલ્લાના ગામડાઓમાં ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારો તેમજ સમર્થકો હાલ ગેલમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં સારૂ મતદાન થયુ છે અને આવતીકાલે મંગળવારે પરિણામ છે ત્યારે કોણ જીતશે, કોણ હારશે ? તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો દ્વારા ઉમેદવારોની હાર-જીત પર રૂપીયા તેમજ પાર્ટીઓ માટેની શરતો લગાડવામાં આવી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 


Tags :