સીસીસી કે પ્લસની 200 માર્કસના પ્રમાણપત્રને માન્યતા આપવા ઠરાવ
- અગાઉના કાર્યકાળમાં 100 ગુણની મર્યાદા બંધાઇ હતી
- નવો ઠરાવ પંચાયત તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશનના કર્મચારી-અધિકારીને સમાન ધોરણે લાગુ પડશે
સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારી, કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓના અજમાયશી સમયગાળા દરમિયાન વહિવટી લાભ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી, સીસીસી+ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. તેમજ કોમ્પ્યુટર કૌશલ્ય માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી હતી. તદ્દનુસાર સીધી ભરતીથી નિમણૂંક પામેલ અધિકારીઓ, કર્મચારીઓએ તેઓના અજમાયશી સમયગાળા દરમિયાન તેમજ સરકારી સેવામાં રહેલ અધિકારીઓ, કર્મચારીઓએ તેઓની બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે સંબધિત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી, સીસીસી+ની પરીક્ષા સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરવાની રહે છે. કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી, સીસીસી+ની પરીક્ષા નિયત થયેલ અભ્યાસક્રમ અનુસાર ૫૦ ગુણ-થીયરી અને ૫૦ ગુણ પ્રેક્ટીકલ એમ બે ભાગમાં મળીને કુલ ૧૦૦ ગુણની પરીક્ષા પાસ કરવાની રહે છે.
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકના કેન્દ્રોને કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી, સીસીસી+ની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ. ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના અભ્યાસક્રમ અનુસારની ૨૦૦ ગુણની પરીક્ષા પણ લેવામાં આવે છે, અને સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ, કર્મચારીઓને આ ૨૦૦ ગુણની પરીક્ષા પાસ કર્યાના પ્રમાણપત્રો આપવામાં આવેલ છે. તદ્નુસાર તેઓએ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સરકારમાન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ સંબંધિત સીસીસી, સીસીસી+ની ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રો તેઓની બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે માન્ય રાખવા અંગે રજૂઆતો થયેલ. પરંતુ આ પ્રમાણપત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ પરીક્ષા પદ્ધતિ (૫૦ ગુણ થીયરી અને ૫૦ ગુણ પ્રેક્ટીકલ એમ કુલ મળીને ૧૦૦ ગુણ) મુજબની ન હોવાથી, આ પ્રમાણપત્રો માન્ય ગણવામાં નહીં આવતા વિસંગતતા ઉભી થવા પામી હતી જે સંદર્ભે ઠરાવ કરી ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકના સરકાર દ્વારા વખતોવખત માન્યતા પ્રાપ્ત પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી, સીસીસી+ની ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને પણ તેઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ કરવા માટેની વિચારણા કરવા માટે તેમજ તેઓની બઢતી, ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા માટે માન્ય ગણવા ઠરાવાયું છે. આ જોગવાઇઓ રાજ્ય સેવા, પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓને સમાન ધોરણે લાગુ પડશે તેમ જણાવ્યું છે.